નિર્ધારિત આઈ-કાર્ડ વગરના લોકોને રસીકરણની જાણકારી કેવી રીતે આપો છો?

હાઇ કોર્ટનો સરકારને સવાલ
મુંબઈ, તા 9 : બૉમ્બે હાઇ કોર્ટે બુધવારે મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે જેમની પાસે સાતમાંથી એક પણ ઓળખપત્ર ન હોય એવા લોકોને રસીકરણ માટેની જાણકારી પહોંચાડવા માટે ક્યા પગલાં લેવામાં આવ્યા છે? 
ચીફ જસ્ટીસ દીપાંકર દત્તા અને જસ્ટીસ જી. એસ. કુલકર્ણીની બેન્ચે એવા લોકો જેઓ માનસિક બીમાર હોય અને જેમના કાયદેસર વાલી ન હોય, વૅક્સિન લેવા માટેની જરૂરી વિગતો આપી શકે એમ ન હોય તેવા લોકોને રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવા ક્યા પગલા લેવાયા છે એની જાણકારી કોર્ટને આપવા કેન્દ્ર સરકારને જણાવ્યું હતું. 
નાગરિકો સરળતાથી એન્ટી કોવિડ રસી માટેની નોંધણી થાય અને કોવિન પોર્ટલમાં સુધારા સહિત અન્ય મુદ્દાઓ માટે કરવા માટે આવેલી અનેક જાહેર હિતની અરજીઓની સુનાવણી બેન્ચ કરી રહી હતી. અરજદારે બેન્ચને જણાવ્યું કે સરકારે જારી કરેલી ઓળખપત્રોની યાદી, જેમાં કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે આધાર અને પૅન કાર્ડનો સમાવેશ થાય છે. 
જ્યારે કેન્દ્ર સરકારે સાતમાંથી એક પણ ઓળખપત્ર ધરાવતા ન હોય એવા લોકો માટે વિગતવાર સ્ટાન્ડર્ડ ઓપરાટિંગ પ્રોસીજર (એસઓપી) જારી કરી છે. આવા લોકોને ઓળખી કાઢવા માટે અને તેમને રસી આપી શકાય એ માટે રાજ્ય અને જિલ્લા સ્તરના અધિકારીઓને જવાબદારી 
સોંપી છે. જોકે, આ માર્ગદર્શિકાની જાણકારી દરેકને નથી, એમ અરજદારે જણાવ્યુ હતું.  એ સાથે તેમણે જણાવ્યુ હતુ કે ગ્રામીણ વિસ્તારના ઘણા લોકો રસી લેતા અચકાય છે. 
કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંઘે અરજી દાખલ કરવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, શરૂઆતમાં અમુક લોકોએ કોવિડ-19ની રસી લેવાનો જાહેરમાં વિરોધ કર્યો હતો. હવે તેઓ આગળ આવી રસી લઈ રહ્યા છે. 
જોકે, બેન્ચે જણાવ્યું કે સરકારે રસીકરણ અને માર્ગદર્શિકા અંગે જનજાગૃતિ અભિયાન ચલાવવું જોઇએ.  ગ્રામીણ વિસ્તારના લોકોને રસીકરણ અંગે સમજાવવા ક્યા પગલા લેવામાં આવ્યા છે? રસીના મહત્ત્વની જાણકારી દેશના તમામ ખૂણે પહોંચવી જોઇએ. કેન્દ્ર અને રાજ્ય, બંનેએ રસીના ફાયદાઓ અંગેની જાણકારી મોટા પાયે જણાવવી જોઇએ, એમ હાઇ કોર્ટે જણાવ્યું હતું.  હાઇ કોર્ટે રાજ્ય સરકારનાં વકીલ ગીતા શાસ્ત્રી અને કેન્દ્રના એએસજી અનિલ સિંઘને ક્યા પગલા લેવામાં આવ્યા છે એની જાણકારી કોર્ટને 17 જૂને આપે. 
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer