બૅન્કો નોટબંધી વખતના સીસીટીવી ફૂટેજ સાચવી રાખે : આરબીઆઈ

નવી દિલ્હી, તા. 9 : આરબીઆઈએ બેન્કોને સૂચના આપી છે કે 2016માં નોટબંધી વખતના સીસીટીવી રેકોર્ડિંગને સાચવીને રાખે. તપાસ એજન્સીઓ એ સમયના અનેક મામલાની જાંચ કરી રહી છે અને કેસો અનેક અદાલતોમાં હજી પડતર છે ત્યારે આવા સીસી ટીવી વીડિયો ફૂટેજથી ગેરકાયદે ગતિવિધિઓમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં મદદ મળશે.
રિઝર્વ બેન્કે પોતાના આદેશમાં જણાવ્યું છે કે 8 નવેમ્બર 2016થી 30 ડિસેમ્બર 2016 સુધીના વીડિયો ફૂટેજ હજી સલામત રાખે કારણ કે તપાસ એજન્સીઓ ગેરકાનૂની રીતે નવી નોટો મેળવવાના મામલાઓની તપાસ કરી રહી છે. 
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે કાળાનાણા સામેની અને આતંકવાદીઓને નાણાકીય સહાય અટકાવવા માટે 8મી નવેમ્બર 2016ના નોટબંધી જાહેર કરી હતી. આ દરમ્યાન મોટી સંખ્યામાં લોકોએ ખોટી રીતે પોતાની જૂની નોટોનો નિકાલ કરીને નવી નોટો હાંસિલ કરી હતી. જો કે,નોટબંધી બાદ 500 અને 1000ની જૂની 99 ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ હતી. રિઝર્વ બેન્કના જ અહેવાલ મુજબ નોટબંધી વખતે 15.41 લાખ કરોડ રૂપિયા ચલણમાં હતા જે પૈકી 15.31 લાખ કરોડ તો પાછા આવી ગયા હતા.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer