થાણે - પાલઘરમાં ભેખડો ધસી પડી, દીવાલો તૂટવાની ઘટના

થાણે / પાલઘર,તા.9 : ગત 24 કલાકથી મુશળધાર વરસાદ ચાલી રહ્યો છે. હવામાન વિભાગે પાંચ દિવસ અતિવૃષ્ટિની ચેતવણી આપી છે. ચોમાસાના પહેલાં જ દિવસે થાણે - પાલઘરમાં અનેક ઠેકાણે પાણી ભરાયા, રોડ ધોવાયા, રોડ તૂટી ગયા, ભેખડો પડવાની અને દિવાલ તૂટી પડવાની ઘટનાઓ બની હતી. એક સોસાયટીમાં સંરક્ષણ દિવાલ તૂટી પડતા છ વાહનોને ભારે નુકસાન થયુ હતુ જેમાં કોઇ જાનહાનિ નોંધાઇ નથી એમ થાણે પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડા સંતોષ કદમે જણાવ્યું હતું. પનવેલ-કલવા રોડ, , મુંબ્રા બાયપાસ રોડ પર ભેખડો ધસી પડવાની ઘટનાઓ બની હતી. ભેખડો ધસી પડવાની જાણકારી મળતા જ રાહત અને બચાવ કાર્યની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. ટ્રાફિકને પૂર્વવત કરવાના પ્રયાસો યુધ્ધના ધોરણે ચાલી રહ્યા છે. આ ઉપરાંત થાણેના મનોરમા નગરના સુકુર ગાર્ડન સ્વામી સમર્થ પેઝ વન ઇમારત અને સાવરકર નગરમાં સંરક્ષણ દિવાલ (કંપાઉન્ડ વોલ) પડી ગઇ હતી. મનોરમા નગરમાં દિવાલ તૂટી પડવાથી બહાર ઉભેલા ત્રણથી ચાર વાહનોને નુકસાન થયુ હતુ. 
અહેવાલ અનુસાર કલ્યાણના નીચાણવાળા વિસ્તારો, ડોંબિવલી, અંબરનાથ, બદલાપુર, ભિવંડીમાં પાણી ભરાઇ ગયા હતા. થાણે પાલિકાના મેયર નરેશ મહસ્કે અને પાલિકા કમિશનર ડો.બિપીન શર્માએ સવારે અગિયાર વાગ્યે શહેરના નાળા સફાઇ તેમ જ પાણી ભરાતા અનેક વિસ્તારની મુલાકાત લઇને પરિસ્થિતીની વિગતો લીધી હતી. આ ઉપરાંત પાલક પ્રધાન એકનાથ શિંદેએ આરડીએમસી અને ડિઝાસ્ટર કંટ્રોલ સેલની મુલાકાત લીધી હતી અને વરસાદની પરિસ્થિતી અંગે માહિતી લઇને યોગ્ય નિર્દેશો આપ્યા હતા. દરમિયાન પાલઘરના નીચલા ભાગના વિસ્તારો, મીરા - ભાયંદર અને વસઇ વિરાર પરિસરમાં પૂર જેવી પરિસ્થિતી સર્જાઇ હતી. 
જો કે વરસાદના પહેલા જ દિવસે કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ નહોતી કે કોઇ જાનહાનિ નોંધાઇ ન હોવાના અહેવાલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના સીઇઓ ડો.કિરણ મહાજને આપ્યા હતા. મુશળધાર વરસાદને પગલે બંને જિલ્લામાં હાલ રસી કરણ બંધ કરી દેવાયુ છે.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer