એન્ટિલિયા કારમાં વિસ્ફોટક અને મનસુખ હિરેન મૃત્યુ કેસ

આરોપનામું ઘડવા એનઆઇએને વધુ બે માસ
મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : બુધવારે મુંબઇની વિશેષ અદાલતે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને એન્ટિલિયા નજીક કારમાં વિસ્ફોટક સામગ્રીનો કેસ અને મનસુખ હિરેન મૃત્યુ કેસનું આરોપનામુ ઘડવા માટે વધુ 60 દિવસોની મુદ્દત આપી છે. આરોપનામુ દાખલ કરવાની છેલ્લી તારીખ દસમી જૂન હતી.
આ કેસમાં ભૂતપૂર્વ પોલીસ અધિકારી સચીન વાઝેની 13મી માર્ચે ધરપકડ થયા બાદ તેના સહાયક અધિકારી એવા રિયાઝ કાઝી, સુનીલ માને, વિનાયક શિંદે અને ક્રિકેટ બુકી નરેશ ગોરની ધરપકડ કરાઇ હતી. ગેરકાયદે ગતિવિધિ અધિનિયમ (યુએપીએ)ના પ્રાવધાન હેઠળ તપાસ એજન્સી આરોપનામુ જમા કરવા માટે આરોપીની ધરપકડના 180 દિવસો સુધીની માગ કરી શકે છે. એનઆઇએએ વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ 90 દિવસોની માંગ કરી હતી.
તપાસ એજન્સીના મતે દરેક આરોપીઓ સામે તપાસ પૂરી કરવા માટે સમયની જરૂર છે. એનઆઇએએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાને પગલે મૂકાયેલા પ્રતિબંધોને પગલે સાક્ષીઓના નિવેદન, દસ્તાવેજો ભેગા કરવા અને તેના વિશ્લેષણ માટે વધારાના સમયની આવશ્યકતા છે. એનઆઇએની અરજીમાં જણાવાયું છે કે પાંચેય આરોપીઓએ મોટી યોજના બનાવી હતી, અંબાણી પરિવારને ધમકી આપવા વાહનની અંદર જીલેટિન સ્ટીકસ સાથે ધમકીભર્યો પત્ર મૂકવો ત્યારબાદ આતંકવાદી સંગઠન જૈશ ઉલ હિંદ દ્વારા ખંડણી મંગાવવાનો પત્ર મોકલાવવો. આ તમામ વાતો ગંભીર ગુનાની શ્રેણીમાં આવે છે. જૈશ ઉલ હિંદ આ કેસમાં કેટલી હદ સુધી સંકળાયેલુ છે તેની ઉંડાણપૂર્વક તપાસની તાતી જરૂર છે.
જોકે તમામ દલીલો સાંભળ્યા બાદ વિશેષ અદાલતના ન્યાયાધીશ પી આર સિત્રેની ખંડપીઠે એનઆઇએને આરોપનામુ ઘડવા માટે વધારાના 60 દિવસનો સમય આપ્યો હતો. ન્યાયાધીશે જણાવ્યું હતું કે તપાસ જરૂરી છે. તમામ કારણોની તપાસ માટે વધારાના સમયની આવશ્યકતા હોવાથી બે મહિનાનો સમય આપવામાં આવે છે.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer