ટિકૈત સાથે બેઠક બાદ મમતા દીદીએ ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યું

નવી દિલ્હી, તા. 9 : ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે કોલકત્તામાં મુલાકાત કરી હતી. બેઠક બાદ મમતાએ કહ્યું હતું કે મારી માંગણી છે કે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવે. 
સુત્રોનાં જણાવ્યા મુજબ બંને નેતાઓની કેન્દ્રનાં કૃષિ કાયદાની સામે કિસાન આંદોલનને તેજ કરવાની અને સરકારને ઘેરવાની વ્યૂહરચના પર ચર્ચા થઈ. મુલાકાત પહેલા કિસાન નેતા રાકેશ ટિકૈતે માધ્યમો સાથે વાત કરતાં કહ્યું કે, આજે તેઓ ત્રણ વાગ્યે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરશે. આ દરમ્યાન તેમની વાત કૃષિ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્થાનિક કિસાનોનાં મુદ્દે થશે. 
ભારતીય કિસાન સંઘના નેતાએ કહ્યું કે, બંગાળ સરકારે રાજ્યનાં કિસાનો સાથે નિયમિત રીતે વાત કરવી જોઈએ. ટિકૈતે ઉત્તરપ્રદેશમાં કિસાનોની દર મહિને જિલ્લા અધિકારીઓની સાથે યોજાનારી બેઠકની ચર્ચા કરતાં કહ્યું કે, આ નીતિ સમગ્ર દેશમાં લાગુ થવી જોઈએ. 
ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે બેઠક બાદ કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ અમને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ કિસાન આંદોલનનું સમર્થન કરવાનું જારી રાખશે.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer