હાઇરાઇઝ બિલ્ડિંગ દ્વારા કરાયેલી 63 લાખ રૂપિયાની વીજ ચોરી મામલે એફઆઈઆર નોંધાઈ

મુંબઈ, તા. 9 : મુલુંડ ખાતે બંધાઈ રહેલા હાઇરાઇઝ બિલ્ડિંગ વિરુદ્ધ મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (એમએસઇડીસીએલ)ની ફ્લાઇંગ સ્ક્વૉડે છેલ્લા બે વરસ દરમિયાન કથિતપણે અંદાજે 63 લાખ રૂપિયાની કિમતની 1.7 લાખ યુનિટની વીજ ચોરી મામલે ગુનો નોંધ્યો હતો. આ અંગે મુલુંડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાવવામાં આવી છે. 
એમએસઇડીસીએલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે, નિર્મલ લાઇફસ્ટાઇલનો મુલુંડ ખાતે ઝિરકોન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી નામનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. અમારા અધિકારીઓ તાજેતરમાં રૂટિન ચેકઅપ માટે ગયા ત્યારે તેમને જણાયું કે ઇલેક્ટ્રિસિટી મહાપાલિકાની બહર જતી સ્વીચ (કનેક્શન)માંથી ચોરવામાં આવતી હતી અને ત્યાં કોઈ મીટર પણ નહોતું. 
નિર્મલ લાઇફસ્ટાઇલની નજદિકના સૂત્રના જણાવ્યા મુજબ, નિર્મલ લાઇફસ્ટાઇલે જગ્યા 2013માં પાર્કિંગ લૉટ માટે સોંપી દીધો હતો. એનું મૅનેજમેન્ટ પાંચથી વધુ વરસોથી પાર્કિંગ કોન્ટ્રાક્ટર કરી રહ્યો છે. એટલે ઝિરકોન સોસાયટી કે નિર્મલ લાઇફસ્ટાઇલ દ્વારા કોઈ ખોટું કાર્ય કરવામાં આવ્યું નથી. બિલ્ડર/ડેવલપરની લીગલ ટીમ કેસનો અભ્યાસ કરી રહી છે. 
ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રશાંત કદમે કહ્યું કે આ ગંભીર ગુનો છે અને મહાપાલિકાના મીટર સાથે ચેડાં કરવામાં આવ્યા છે. અમે અમુક લોકોની પૂછપરછ કરી છે, અને પૂછપરછમાં મહાપાલિકાના ટી-વૉર્ડ સહયોગની અપેક્ષા રાખીએ છીએ. જો કોઈ 
મજબૂત પુરાવો મળશે તો અમે ધરપકડ કરશું, એમ કદમે વધુમાં જણાવ્યુ હતું. 
એમએસઇડીસીએલના અધિકારીઓએ જણાવ્યું કે તેમણે પૂરતી તપાસ કરી છે અને અધિકારીઓએ 63.2 લાખ રૂપિયા વસુલવા માટે બીલ્ડર/ડેવલપરને નોટિસ જારી કરી છે. પૈસા ચુકવવામાં તેઓ નિષ્ફળ જતા અધિકારીઓએ પોલીસનો સંપર્ક કરી 4 જૂને વીજ ચોરી અંગેની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી  હતી, એમ એમએસઇડીસીએલના ભાંડુપ ડિવિઝનના અધિકારીએ જણાવ્યું હતું.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer