હવે બાળકો માટે કોરોના રસી

12 વર્ષથી નાની વયના માટે ફાઈઝર શરૂ કરશે ટ્રાયલ
નવી દિલ્હી, તા. 9 : કોરોના રસી બનાવતી કંપની ફાઈઝર 12 વર્ષથી ઓછી વયનાં બાળકો માટે મોટા સ્તરે રસીની ટ્રાયલ શરૂ કરવા જઈ રહી છે. કંપનીએ આજે જણાવ્યું હતું કે 12 વર્ષથી ઓછી વયનાં બાળકો માટે રસીની ટ્રાયલ કરવા તે જઈ રહી છે. તે પરીક્ષણનાં પહેલાં ચરણમાં ડોઝની ઓછી માત્રાનું ચયન કર્યા બાદ 12 વર્ષથી ઓછી વયનાં બાળકોના એક મોટા સમૂહમાં પોતાની કોરોના રસીનું પરીક્ષણ શરૂ કરશે. આ ટ્રાયલ માટે ફાઈઝરે 4500થી વધુ બાળકોની પસંદગી કરી છે. આ બાળકો અમેરિકા, ફિનલેન્ડ, પોલેન્ડ અને સ્પેનનાં હશે.
સમાચાર એજન્સી અનુસાર કંપનીએ જણાવ્યું હતું કે, સલામતી, સહનશીલતા અને પહેલાં ચરણમાં 144 બાળકોમાં ઉત્પન્ન પ્રતિરક્ષા પ્રતિક્રિયાના આધાર પર તે પાંચથી અગિયાર વર્ષનાં બાળકોમાં 10 માઈક્રોગ્રામના ડોઝનું પરીક્ષણ કરશે, જ્યારે છ માસથી પાંચ વર્ષની વયજૂથમાં તે ત્રણ માઈક્રોગ્રામ ડોઝનું પરીક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે, પુખ્તવયની વ્યક્તિઓ માટે બનેલી રસીના ડોઝની માત્રા 30 માઈક્રોગ્રામ હોય છે.
ફાઈઝરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીને આશા છે કે સપ્ટેમ્બર સુધી પાંચથી અગિયાર વર્ષનાં બાળકોનાં પરીક્ષણનો ડેટા મળી જશે. એટલું જ નહીં, સંભવત: તે મહિનાના અંતમાં તેના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે પણ નિયામકો સમક્ષ અરજી કરી દેવાશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે બેથી પાંચ વર્ષનાં બાળકો માટે ડેટા પણ તેની પાસે ટૂંક સમયમાં આવી જશે.

Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer