ઘરમાં ઘૂસેલા શત્રુ-કોરોના પર સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર : બૉમ્બે હાઇકોર્ટ

મુંબઈ, તા 9 : કોરોના વાઇરસ એ માનવજાતનો સૌથી મોટો શત્રુ છે. એ આપણા ઘરમાં અને પરિસરમાં ઘુસીને બેઠો છે. એણે અનેકને જાણે બાંધી રાખ્યા છે. આવા શત્રુ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો દૃષ્ટીકોણ કેન્દ્ર સરકારે રાખવો જોઇએ, એવો મત બૉમ્બે હાઇકોર્ટે વ્યક્ત કર્યો હતો. ઘરેઘરે જઈ રસીકરણ કરવાની માગણી કરતા ધારાશાત્રીએ ધૃતિ કાપડિયા અને કૃણાલ તિવારીએ જનહિતની અરજી કરી છે. તે અંગે, ઘરેઘરે જઈ રસીકરણ કરવું હાલની પરિસ્થિતિમાં વ્યવહારૂ નથી. એને બદલે ઘર પાસે રસીકરણની નીતિ અમે અપનાવી છે, એમ કેન્દ્ર સરકારે રજૂઆત કરી હતી. આ મામલે ચીફ જસ્ટીસ દીપાંકર દત્તા અને જસ્ટીસ ગિરીશ કુલકર્ણીની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. એ સમયે કોર્ટે કેન્દ્ર સરકારને કડક શબ્દોમાં આડે હાથ લીધી હતી. ઘર પાસે રસીકરણ એ કેન્દ્ર સરકારની નીતિ એટલે કોરોના વાઇરસની કોવિડ કેન્દ્ર પર આવવાની રાહ જોવા જેવુ છે. કોરોના વાઇરસ એ સૌથી મોટો શત્રુ છે. એના પર હુમલો કરવો જોઇએ. આ શત્રુ આપણા ઘરમાં ઘુસ્યો છે. આપણામાંથી અમુકને એણે ઘેરી લીધા છે. લોકોનું બહાર જવું મુશ્કેલ કર્યુ છે. એટલે એના પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું કેન્દ્ર સરકારે વિચારવું જોઇએ. જોકે સરકાર શત્રુ પર હુમલો કરવાને બદલે સીમા પર ઊભા રહી વાઇરસ ઘરની બાહર નીકળે એની રાહ જોઈ રહી છે, એમ ખંડપીઠે જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર જનહિતનો નિર્ણય લઈ રહી છે એ ખરૂં હોય તો પણ એ નિર્ણય લેવામાં વિલંબ થઈ રહ્યો છે. રસીકરણના પ્રશ્ને નિર્ણય લેવામાં મોડું થયું ન હોત તો અનેકના જીવ બચી ગયા હોત. કેરળમાં ઘરે ઘરે જઈ રસીકરણ અભિયાન સફળતાપૂર્વક ચાલી રહ્યુ છે. રાંચી, જમ્મુ-કાશ્મીર અને વસઈ-વિરાર મહાપાલિકા પણ ઘરે જઈ રસી આપવાનું અભિયાન ચલાવી રહ્યા હોવાનું ઍડવોકેટ ધૃતિ કાપડિયાએ કોર્ટને જણાવ્યુ હતું. ત્યારે કેરળમાં આ અભિયાન સફળ થતું હોય તો અન્ય રાજ્યો અને દેશભરમાં કેમ અમલ થતો નથી, એવો સવાલ કોર્ટે પૂછ્યો હતો.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer