કોરોના : દેશમાં સાજા થયેલા દરદીઓની સંખ્યા પોણા ત્રણ કરોડને પાર

સળંગ બીજા દિવસે 1 લાખથી ઓછા નવા દર્દી, સક્રિય કેસો ઘટીને 4.23 ટકા
નવી દિલ્હી, તા. 9 : ભારતીય જનજીવનને પરેશાન કરવા સાથે અર્થતંત્રનું આરોગ્ય બગાડી દેનાર કોરોના વાયરસનો આતંક ઓછો થવા માંડયો હોય તેમ બુધવારે સતત બીજા દિવસે એક લાખથી ઓછા નવા દર્દીનો ઉમેરો થયો હતો.
ભારતમાં આજે અલબત્ત, ગઈકાલની તુલનાએ વધુ 92,596 નવા દર્દી સામે આવતાં કુલ સંક્રમિતોની સંખ્યા 2.90 કરોડને આંબી, બે કરોડ 90 લાખ, 89,069 થઈ ગઈ છે.
બીજીતરફ, 24 કલાકમાં વધુ 2219 દર્દીના મોત સાથે કુલ 3,53,528 દર્દી કોરોના સંક્રમણમાં સપડાતાં જાન ગુમાવી ચૂક્યા છે.
દેશમાં નવા દર્દી કરતાં સાજા દર્દીનો આંક વધુ રહેવાનો રાહતરૂપ ક્રમ બુધવારે સળંગ 27મા દિવસે જારી રહ્યો હતો.
ભારતમાં ઘાતક સંક્રમણના સકંજામાંથી મુક્ત થયેલા દર્દીઓની સંખ્યા 2.75 કરોડને પાર કરી, બે કરોડ, 75 લાખ, 04,126 થઈ ગઈ છે.
આમ, સાજા થતા દર્દીઓનો દર એટલે કે, રિકવરી રેટ આજે 94.55 ટકા થઈ ગયો હતો, તો દૈનિક સંક્રમણનો દર સતત 16મા દિવસે 10 ટકાથી નીચે 4.66 ટકા રહ્યો છે.
દેશમાં સારવાર હેઠળ છે તેવા કેસોનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. આજની તારીખે 12.31 લાખ, 12 લાખ, 31 હજાર, 415 દર્દી સારવાર હેઠળ છે.
કુલ સંક્રમિતોની સંખ્યાની તુલનાએ સક્રિય કેસોનું પ્રમાણ ઘટીને પાંચ ટકાની નીચે માત્ર 4.23 ટકા રહી ગયું છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) તરફથી મળતી માહિતી મુજબ, દેશમાં અત્યાર સુધી કુલ ટેસ્ટ 37 કરોડને પાર કરી ચૂક્યા છે.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer