ખેડૂતોને રાહત : ખરીફ પાકના ટેકાના ભાવ વધારાયા

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 9 : લાંબા સમયથી નવા કૃષિ કાયદાઓ રદ કરવાની માંગ સાથે જારી આંદોલન વચ્ચે દેશની સરકારે બુધવારે કિસાનોને ભેટ આપતાં 2021-22 માટે ખરીફ પાકો પર ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારો કરવા માટે મંજૂરી આપી દીધી છે.
કેન્દ્ર સરકારે ખરીફ પાકો પર લઘુતમ ટેકાના ભાવો 50 ટકા સુધી વધારવાનો ફેંસલો કર્યો છે તેવી જાણકારી દેશના કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આપી હતી.
સરકારના આ નિર્ણય બાદ ધાનના કમસેકમ ટેકાના ભાવ વીતેલા વર્ષની તુલનામાં 72 રૂપિયા વધીને 1940 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઇ ગયા છે.
એમએસપીમાં સૌથી વધુ તલમાં 452 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો છે. ત્યારબાદ તુવર અને અડદના ટેકાના ભાવમાં 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો છે.
દરમ્યાન સરકારના આ ફેંસલા પર પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસે કહ્યું હતું કે, કિસાનોના આંદોલનને સમાપ્ત કરવા માટે નવા ત્રણેય કૃષિ કાયદા રદ કરાય એ જ એકમાત્ર ઉપાય છે. દેશના મુખ્ય વિરોધ પક્ષે આ ત્રણેય કૃષિ કાયદાને વિનાશકારી ગણાવતાં કહ્યું હતું કે, સરકારે પોતાની જિદ્દ છોડી કિસાનોની માંગો માની લેવી જોઇએ.ખાસ ઉલ્લેખનીય છે કે ન્યૂનત્તમ ટેકાના ભાગ એ એ દર છે જેનાથી સરકાર કિસાનો પાસેથી વિવિધ ખેત પેદાશોની ખરીદી કરે છે.
ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ વર્ષ 2021-22ના ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો મંજૂર કર્યો હતો. આ નિર્ણય દ્વારા તેમણે આંદોલનકારી ખેડૂતોને ફરી એકવાર સંદેશો આપ્યો છે કે ટેકાના ભાવની જૂની વ્યવસ્થા નવા કૃષિ કાયદા કાયદા અંતર્ગત પણ ચાલુ જ રહેશે.  કેબિનેટ કમિટીના નિર્ણય વિશે જણાવતા કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રાસિંહ તોમારે જણાવ્યું હતું કે કોઈને પણ ટેકાના ભાવ (એમએસપી) અંગે ગેરસમજ હોવી જોઈએ નહીં. અમે સંસદને ખાતરી આપી છે કે ટેકાના ભાવની વ્યવસ્થા ચાલુ રહેશે. 

Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer