બાંધકામની કેટલી મંજૂરી મળી છે એની જાહેરાત પણ બીલ્ડરોએ હવેથી કરવી પડશે

બાંધકામની કેટલી મંજૂરી મળી છે એની જાહેરાત પણ બીલ્ડરોએ હવેથી કરવી પડશે
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 9 : હવે પછી ફ્લેટ ખરીદવા આવતા લોકોને બાંધકામની કેટલી મંજૂરી મળી છે એની જાણ બીલ્ડરે કરવી પડશે, એવો આદેશ મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટી (મહારેરા)એ આપ્યો છે. 
બીલ્ડરો માત્ર એટલું જ કહે છે કે અમને કમેન્સમેન્ટ સર્ટિફિકેટ (સીસી) મળી ગયું છે. એ સિવાય બીલ્ડરો બીજી કોઈ ચોખવટ કરતાં નથી. 
ઉદાહરણ તરીકે મુંબઈ પાલિકા ડેવલપરને દરેક તબક્કા પ્રમાણે પરમિશનો આપતી હોય છે. સીસીનો મતલબ બીલ્ડર પ્લિન્થ લેવલનું અથવા બહુમાળી ઈમારતનું પાંચ માળ સુધીનું જ બાંધકામ કરી શકે છે. જોકે, ફ્લેટ ખરીદારને એમ હોય છે કે બીલ્ડર પાસે સીસી છે તો એ બધું બાંધકામ કરી શકશે. આ દરેક પ્રોજેક્ટને લાગુ પડતું નથી. 
સોમવારે રેરાના ચીફ અજોય મહેતાએ એક પરિપત્ર જાહેર કર્યો હતો કે  જેમાં બીલ્ડરોએ સીસીમાંની વિગતો હવે જાહેર કરવાની સૂચના અપાઈ છે. 
પરિપત્રમાં જણાવાયું છે કે ઘણીવાર આખા પ્રોજેક્ટ માટે લે-આઉટની મંજૂરી લઈ લેવામાં આવે છે, પણ ક્યારેક અમુક મંજૂરીઓ તબક્કાવાર લેવામાં આવે છે. કમેન્સમેન્ટ સર્ટિફિકેટ અમુક તબક્કા સુધી મળે છે. ફ્લેટ ખરીદનારાઓને આ તબક્કાવાર મંજૂરીની જાણ હોતી નથી. એટલે એવું નક્કી કરાયું છે કે સીસી કેટલા તબક્કા સુધીના બાંધકામ માટે મળી છે એ બીલ્ડરે હવેથી સર્ટિફાઈ કરવું પડશે. આને લીધે ફ્લેટ ખરીદનારને વાસ્તવિક્તાની ખબર પડશે. 
બીલ્ડરોએ હવેથી પ્રોજેક્ટના રજિસ્ટ્રેશન વખતે જ ડિક્લેરેશન ફોર્મ અને સીસી કેટલા તબક્કા સુધીના બાંધકામ માટે મળી છે એની વિગતો અપલોડ કરવી પડશે. 
એક અન્ય આદેશમાં રેરાએ બીલ્ડરોને ફ્લેટ કે પ્લોટના સોદા વિશે વધુ સ્પષ્ટતા કરવાની સૂચના આપી હતી. ફ્લેટનું બાકિંગ થાય કે વેચાઈ જાય તો એની માહિતી પણ બીલ્ડરે આપવાની રહેશે. એમ થશે તો એક જ ફ્લેટ અનેક લોકોને વેચવાનું બંધ થશે. 
રેરાના ચીફ અજોય મહેતાએ એવી પણ સૂચના આપી છે કે બીલ્ડરો જ્યારે વિવિધ પરમિશનો માટે અરજી કરે ત્યારે તેમણે ફ્લેટ ખરીદદારોના નામ અને તેમની સહી સાથેનું ફોર્મ યોગ્ય ફોર્મેટમાં સબમિટ કરવું પડશે. અગાઉ બીલ્ડરો ગમેતેમ સાચી-ખોટી માહિતી આપીને છટકી જતાં હતા અને પ્રોજેક્ટ રજિસ્ટર્ડ કરાવી લેતાં. 
બીલ્ડરને પ્રોજેક્ટનના કમ્પ્લિશન ડેટની મુદત પણ વધારવી હશે તો 51 ટકા ફ્લેટધારકોની મંજૂરી જોઈશે. આ મંજૂરીમા ફ્લેટધારકનું નામ, ફ્લેટ નંબર અને સહી હોવી જરૂરી છે. 
પરિપત્રમાં એમ પણ જણાવાયું છે કે બીલ્ડરને જો ફ્લોર પ્લાનમાં ફેરફાર કરવો હશે, મંજૂર થયેલા પ્લાનમાં મોટા ફેરફાર કરવા હશે તો ફ્લેટ બુક કરાવનારાઓમાંથી બે તૃત્યાંશની મંજૂરી અનિવાર્ય છે. 
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer