વરિષ્ઠ નેતાના ઘરે જઈ રસી કોણે આપી ? : હાઈ કોર્ટનો સવાલ

વરિષ્ઠ નેતાના ઘરે જઈ રસી કોણે આપી ? : હાઈ કોર્ટનો સવાલ
મુંબઈ, તા. 9 : દરેક ઘરે જઈ રસીકરણ કરવાની માગણી  કરતી જનહિતની અરજી પર સુનાવણી કરતા બૉમ્બે હાઈ કોર્ટે કેન્દ્ર સરકાર સહિત મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાને  કડક શબ્દોમાં સંભળાવ્યું હતું. ઘરે ઘરે રસીકરણ અભિયાન ચલાવવામાં અડચણ શું છે એવો સવાલ પૂછવાની સાથે, મહારાષ્ટ્રના એક વરિષ્ઠ નેતાના ઘરે જઈ રસી કોણે આપી હતી? રાજ્ય સરકારે કે મુંબઈ મહાનગરપાલિકાએ? એની જાણકારી આપો, એવો મૌખિક આદેશ કોર્ટે આપ્યો હતો. 
ધારાશાત્રીએ ધ્રુતિ કાપડિયા અને કૃણાલ તિવારીએ ઘરે ઘર જઈ રસીકરણ કરવાની માગણી કરતી જનહિતની અરજી દાખલ કરી હતી. એની સુનાવણી ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ગિરીશ કુલકર્ણીની બેન્ચ કરી રહી છે. મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન હાલના તબક્કે ઘરે ઘરે જઈ રસી આપવી વ્યવહારું નથી. એને બદલે ઘર પાસે રસીકરણનું ધોરણ અમે અપનાવ્યું છે, એમ કેન્દ્ર સરકારે રજૂઆત કરતા જણાવ્યું હતું. એ અંગે થયેલી વધુ સુનાવણી દરમિયાન કેરળ સહિત દેશના વિવિધ સ્થળે ચાલી રહેલા ઘરે ઘરે જઈ રસીકરણ અભિયાનની જાણકારી અરજદારોએ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. હાઈ કોર્ટે કેન્દ્ર, રાજ્ય સરકાર સહિત મહાપાલિકાની કરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. 
ઘરે ઘરે રસીકરણ કરવા માટેની અગાઉની સુનાવણી સમયે મહારાષ્ટ્રના વરિષ્ઠ રાજકારણીને ઘરે જઈ રસી આપી હતી, એ કોણે આપી હતી? રાજ્ય સરકારે કે મહાપાલિકાએ? એનો જવાબ અમને આપો. અમારે એ જોવું છે કે આ બધું શું ચાલી રહ્યું છે? એક વ્યક્તિને રસી ઘરે કેવી રીતે આપી શકાય, તો અન્યોને કેમ નહીં? એવો સવાલ બેન્ચે રાજ્ય સરકારને કર્યો હતો. મુંબઈ મહાપાલિકાના વરિષ્ઠ વકીલ અનિલ સાખરેએ આ અંગેની જાણકારી કાલે આપું છું, એમ જણાવ્યું. ત્યારે, કાલે નહીં, અમને અત્યારે જ જાણકારી જોઇએ છે, એમ બેન્ચે જણાવ્યું હતું. આ અંગે શુક્રવારે મહાપાલિકાને શુક્રવારે જવાબ આપવાનો આદેશ બેન્ચે આપ્યો હતો.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer