ગુજરાતની અનલૉક તરફ આગેકૂચ

ગુજરાતની અનલૉક તરફ આગેકૂચ
આવતીકાલથી ધર્મસ્થાનો ખૂલશે, બજારો સાંજે સાત વાગ્યા સુધી ધમધમશે
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 9 : ગુજરાત સંપૂર્ણ અનલૉક તરફ આગેકૂચ કરી રહ્યું છે. 11 જૂન સવારે સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં કેટલાક નિયત્રંણો હળવા કરવા લીધેલા નિર્ણયો અનુસાર રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લા રહેશે. પરંતુ એક સમયે એકસાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમ જ માર્ગદર્શિકાનું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.  
એવી જ રીતે, રેસ્ટોરન્ટ અને હોટલ સવારે 9થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે. ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે. 
જોકે, રાત્રિ કર્ફ્યૂના સમયમાં કોઈ ફેરફાર નહીં રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ તારીખ 11 જૂન રાત્રે 9 થી 26 જૂન 2021ના સવારે 6 વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ કરવાનો રહેશે. તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શાપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમ જ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્ય પ્રધાને કર્યો છે. 
રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસઓપીના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે. શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60 ટકા પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer