મુંબઈમાં હવે મેઘરાજાનું લૉકડાઉન

મુંબઈમાં હવે મેઘરાજાનું લૉકડાઉન
આગામી બે દિવસ માટે ભારે વરસાદનું રેડ ઍલર્ટ : પહેલા જ વરસાદે
ખોલી પાલિકાની પોલ : ઠેર-ઠેર ટ્રાફિક જૅમ; લોકલ ટ્રેન સેવા ખોરવાઈ
મુંબઈ, તા. 9 : કોરોના સંબંધી આકરા નિયંત્રણોમાં હજુ આંશિક છૂટ મળી છે ત્યાં ગાજવીજ સાથે મેઘરાજાની સવારીના ધમાકેદાર આગમનથી દેશની આર્થિક રાજધાની મુંબઈ ફરીથી લૉકડાઉન મોડમાં આવી ગઇ હતી. મંગળવારે સાંજથી શરૂ થયેલા વરસાદે રાતભર તરબોળ કર્યા બાદ સવારથી બપોર સુધી વેગ પકડયો હતો અને ભર બપોરે દરિયામાં ભરતીના સમયે મુંબઈમાં ઠેર-ઠેર પાણી જમા થતાં શહેર સ્થગિત થઇ ગયું હતું. વેધશાળાની  નવી આગાહી પ્રમાણે હજુ બે દિવસ ભારે વરસાદ થશે અને મુંબઈગરાઓને અનિવાર્ય હોય તો જ ઘરની બહાર નીકળવાની પ્રશાસને સૂચના આપી છે. વેધશાળાના જણાવ્યા પ્રમાણે બુધવારે સાંજે સાડા આઠ વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં સાંતાક્રુઝમાં  59.6 મિલિ મિટર (આશરે અઢી ઇંચ ) અને કોલાબામાં 77.4 મિલિ મિટર (આશરે સાડા ત્રણ ઇંચ) વરસાદ નોંધાયો હતો. કોરોનાના પ્રકોપમાંથી બહાર આવી રહેલું મુંબઈ બે દિવસથી આંશિક અનલૉક થયું છે ત્યાં મેઘરાજાએ આજે સવારથી જ મુંબઈગરાઓને જાણે કે બાનમાં રાખ્યા હતા. બપોરે બાર વાગ્યે દરિયામાં ભરતી હોવાથી શહેરમાં રાતથી અવિરત વરસી રહેલા પાણીનો નિકાલ બંધ થયો હતો તેથી કેટલાંય વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની હાલાકી થઇ હતી. સાયન સ્ટેશને પ્લેટફોર્મની લગોલગ પાણી ભરાઇ જતા મધ્ય રેલવેની લોકલ ટ્રેનો ઠપ થઇ હતી. અૉફિસે પહોંચવા ઘરેથી સવારે નીકળેલાં મુંબઈગરાઓ રસ્તામાં ફસાયા હતા. કેમ કે રોડ પર ત્રાસજનક ટ્રાફિક જૅમ થયો હતો. કેટલાંય વાહનો રોડ પર જ ખોટવાયા હતા. પહેલાં જ વરસાદે પાલિકાના તમામ દાવાઓને ખોટા સાબિત કરીને પોલ ખોલી હતી.
મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં બુધવારે ચોમાસાનું ધમાકેદાર રીતે આગમન થયું હતું. વહેલી સવારથી  જોરદાર ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને પહેલા જ વરસાદે શહેરનું જનજીવન ખોરવી નાખ્યું હતું. નીચાણવાળા અને વિસ્તારોમાં પાણી ભરાયાં હતા અને ટ્રેન સેવા પણ ખોરવાઈ હતી. મુંબઈમાં ચોમાસાના આગમન શુક્રવારે થવાનું હતું, પણ એનું બે દિવસ વહેલું આગમન થયું છે. 
ભારતીય વેધશાળાએ બુધવારે વરસાદની તીવ્રતાને જોતા મુંબઈ માટે ઓરેન્જમાંથી રેડ એલર્ટની જાહેરાત કરી હતી અને એવી ચેતવણી આપી છે કે અમુક ઠેકાણે અતિ ભારે વરસાદ પડી શકે છે. વેધશાળાએ આગામી ચાર દિવસ માટે મુંબઈ, થાણે પાલઘર અને રાયગઢ માટે 13 જુન સુધી ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે. 15 જુને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે. 
બુધવારે મુંબઈમા અનેક ઠેકાણે પાણી ભરાતાં ઘણા વાહનચાલકોએ તેમના વાહનને રસ્તા પર વચ્ચોવચ ત્યજી દીધાં હતા. મિલન, ખાર, અંધેરી અને મલાડ સબવેમાં બે ફુટ જેટલા પાણી ભરાતાં પોલીસે આ ચારેય સબવે બંધ કરી દીધા હતા. જોકે એસવી રોડ, લિંક રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવના ટ્રાફિક પર ખાસ અસર પડી નહોતી. ભારે વરસાદને કારણે બહુ દૂર સુધી દેખાતું નહોતું. એક્સિડન્ટ ટાળવા ઠેર-ઠેર ટ્રાફિક પોલીસ ગોઠવી દેવામાં આવ્યા હતા. 
રસ્તાની વચ્ચોવચ ત્યજી દેવામાં આવેલા વાહનોને હટાવવા ક્રેનનો ઉપયોગ કરાયો હતો. મુંબઈ પોલીસે પણ લોકોને જરૂરી ન હોય તો ઘરમાંથી બહાર ન નીકળવાની સુચના આપી હતી. 
પાટા પર પાણી ભરાઈ જતાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી થાણે અને વાશી સુધીની લોકલ સેવા અટકાવી દેવામાં આવી હતી. સાયન અને ચુનાભઠ્ઠી સ્ટેશન નજીક પાટા પર પાણી ભરાયા હતા.  બેસ્ટની અમુક રૂટની સેવા પણ બીજા રસ્તે વાળવામાં આવી હતી. સવારે 9.50 વાગ્યે શરૂઆતમાં સીએસએમટીથી કુર્લા (મેઈન લાઈન) સુધી ટ્રેન સેવા બંધ કરાઈ હતી, પછી થાણે સુધીની ટ્રેન સેવા અટકાવી દેવામાં આવી હતી. 10.20 વાગ્યે હાર્બર લાઈનમાં વાશી સુધીની સેવા અટકાવી દેવાની જાહેરાત કરાઈ હતી. જોકે વેસ્ટર્ન રેલવેની લોકલ સેવા પર કોઈ અસર પડી નહોતી. 
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer