ડૉલરની તેજીથી સોનામાં નરમાઈ

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 10 ડોલરની તેજીને લીધે સોનાનો ભાવ વધુ નીચે ગયો હતો. ગુરુવારે અમેરિકામાં ફુગાવાના આંકડા જાહેર થવાના હતા એ પૂર્વે ડોલરના મૂલ્યમાં સુધારો થતા સોનું ઘટીને 1877 ડોલરની સપાટીએ રનીંગ હતુ. જોકે ચાંદીમાં ઘટાડો ન થતા 27.65 ડોલરની સપાટીએ હતી. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ. 120ના ઘટાડે રુ. 50060 અને મુંબઇમાં રુ. 231ના ઘટાડામાં રુ. 48750 હતો. રાજકોટમાં ચાંદી એક કિલોએ રુ. 100 વધીને  રુ. 71300 તથા મુંબઇમાં  રુ. 405 વધીને  રુ. 71224 રહી હતી. 
ગુરુવારે યુરોપીયન સેન્ટ્રલ બેંકની નાણાનીતિ અંગેની પણ જાહેરાત થવાની હતી. મોટેભાગે યુરોપમાં વ્યાજદરો સ્થિર રાખવામાં આવશે તેવી ધારણા મૂકાતી હતી. 
વિશ્લેષકો કહે છે, ફુગાવો અમેરિકામાં વધતો હોવાના સંકેતો મળી રહ્યા છે તે સોના માટે રોકાણ વધારનારું પરિબળ છે. છતાં ફુગાવાના કારણે ડોલર પણ વધશે એટલે એ સોનાની તેજીને અટકાવશે. અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડ પણ સુધરી રહ્યા છે, એ સોનાને વધવા દેશે નહીં. બોન્ડના યીલ્ડ ઉંચા આવવાને લીધે સોના કરતા તેમાં વધુ ખરીદી થઇ રહી છે. સોનામાં હાલ ખાસ વળતર મળતું નથી. 
અમેરિકાના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા જાહેર થવાના હતા તે ઉંચા આવે તેવી શક્યતા હતી. અર્થશાસ્ત્રીઓમાં આ મુદ્દે થયેલા સર્વેમાં સીપીઆઇ મે મહિનામાં વધીને 0.4 ટકા રહે તેવી ધારણા વ્યક્ત થઇ હતી. સાક્સો બેંકની એક નોંધ પ્રમાણે ફેડના મતે ફુગાવો અંકુશમાં છે એટલે નાણાનીતિમાં કોઇ મોટાં ફેરફાર થાય તેવી શક્યતા નથી. અમેરિકામાં અઠવાડિક બેરોજગારીના આંકડાઓ ગુરુવારે જાહેર થવાના હતા. એમાં દાવા ઓછાં આવે તેવી ધારણા વ્યક્ત થઇ હતી. ટેકનિકલ રીતે સોનાનો ભાવ 1850થી 1920 ડોલરની રેન્જમાં અથડાય તેવી ધારણા છે. 
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer