ડિગ્રી કૉલેજમાં પ્રવેશ અંગે ગૂંચવણ યથાવત્

મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્રમાં બારમા ધોરણની પરીક્ષા રદ થઈ હોય તો પણ એ પછી ડિગ્રી કૉલેજમાં ઍડ્મિશન અંગેના નિર્ણય અંગે કૉલેજોએ સંયમિત ભૂમિકા અપનાવી છે. બારમા ધોરણનાં પરિણામ અંગે સ્પષ્ટતા થયા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે એવું પ્રાચાર્યોનું કહેવું છે.
બારમા ધોરણની પરીક્ષા રદ થયા બાદ, અગિયારમા ધોરણ મુજબ જ પદવી પ્રવેશ માટે પણ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે એવી ચર્ચા થઇ રહી છે. આ બાબતે શાળા શિક્ષણ વિભાગ અને તમામ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની મિટિંગ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે, પરંતુ હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. આથી બારમા ધોરણ માટે શાળા શિક્ષણ વિભાગ ચોક્કસ કયા ધોરણો કે માપદંડ અપનાવે છે એ નક્કી થયા બાદ પ્રવેશ અંગે નિર્ણય લેવાની ભૂમિકા કૉલેજોએ લીધી છે. જે અભ્યાસક્રમોને માગણી છે, તેમની જ પ્રવેશ પરીક્ષા અને જે અભ્યાસક્રમોની માગણી નથી તેમને સીધો પ્રવેશ આપવા અંગે પણ વિચાર થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. 
આ વખતે બારમા ધોરણનાં પરિણામની ટકાવારી વધવાની પણ શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. 90 ટકા કરતાં વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં હોઈ શકે છે. ટકાવારી વધવાને કારણે ગુણવત્તા યાદી વધશે. પહેલાંથી જ પ્રવેશનું ધોરણ નક્કી કરવાનો અર્થ નથી એવું વાઈસ ચાન્સેલર પણ કહી રહ્યા છે. આથી બારમા ધોરણનું પરિણામ જાહેર થાય ત્યાં સુધી રાહ જોવા અંગે અધિકારીઓ અને કૉલેજ તેમ જ યુનિવર્સિટીઓ એકમત થયા હોવાનું જાણવા મળ્યું છે. આર્ટ્સ, કૉમર્સ અને સાયન્સ અભ્યાસક્રમો માટેની મોટા ભાગની બેઠકો ઈનહાઉસ વિદ્યાર્થીઓ પાસે જશે, પરંતુ ગ્રાન્ટ વગરના અભ્યાસક્રમો માટે સ્વતંત્ર પ્રક્રિયાની જરૂર હશે એવું પ્રાચાર્યો કહી રહ્યા છે.
સ્વાયત્ત કૉલેજોનું સ્વતંત્ર વલણ?
સ્વાયત્ત કૉલેજોએ ઍડમિશન માટે સ્વતંત્રપણે વિચાર કરવાનો નિર્ણય લીધો છે. તેઓ પાસે જે કોર્સની માગ છે તેના માટે, ઈન્ટરવ્યૂ કે અન્ય પ્રકારના માપદંડ નક્કી કરીને વિદ્યાર્થીઓની પસંદગી થશે. સ્વાયત્ત કૉલેજો કોર્સ અને અન્ય શૈક્ષણિક બાબતોનો નિર્ણય લઈ જ શકે છે. જ્યારે ગ્રાન્ટ મેળવતા હોય એવા અભ્યાસક્રમમાં મહારાષ્ટ્ર સરકારના નિયમો પાળવા પડે છે. મુંબઈ યુનિવર્સિટીમાં 42 સ્વાયત્ત કૉલેજો છે. આ કૉલેજો પોતાની ઍડમિશન પ્રક્રિયા શરૂ કરે તો ઍડ્મિશનના સમયપત્રકમાં સંઘર્ષ થશે. વાલીઓ અને વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરે એવી સંભાવના છે.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer