બાંગ્લાદેશ સીમાએથી ઘૂસણખોરી કરતો ચીની નાગરિક ઝડપાયો

સુરક્ષા એજન્સીઓએ તાબામાં લઈ પૂછપરછ આદરી
કોલકાતા, તા. 10 : સીમા સુરક્ષા દળે (બીએસએફ) ભારત-બાંગલાદેશ સીમા નજીક એક ચીની નાગરિકને પકડયો છે. પૂછપરછ કરાતાં જ્યારે સંતોષજનક જવાન ન આપી શકયો તો તેને સુરક્ષા એજન્સીઓને સોંપી દેવાયો હતો. આ લખાય છે ત્યારે તેને પૂછતાછ કરવામાં આવી રહી છે. તે બાંગલાદેશની વિઝા લઇને ભારત આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે બીએસએફે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા પર સંદિગ્ધ શખ્સને પકડયો હતો. જ્યારે તેમની પૂછતાછ કરવામાં આવી તો તે સંતોષજનક જવાબ ન આપી શક્યો. આગળની કાર્યવાહી માટે તેને સ્થાનિક પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને સોંપી દેવામાં આવ્યો હતો.
પશ્ચિમ બંગાળના માલદા વિસ્તારમાં આ ચીની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. ચીની નાગરિક બાંગલાદેશ બોર્ડરથી ભારતમાં ગેરકાયદેસર રીતે ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે બીએસએફના જવાનોએ તેને ઝડપી લીધો હતો.
બંગાળમાં ચીની નાગરિકના ઘૂસણખોરીના પ્રયાસના કારણે સુરક્ષા એજન્સીઓ ચોંકી ઊઠી છે. અધિકારીઓનું કહેવું છે કે, ગુરુવારે સવારે બીએસએફના જવાનો પેટ્રાલિંગ કરી રહ્યા હતા ત્યારે માલદા જિલ્લાની બોર્ડર પાસે તેને રોકીને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી હોવાનું બહાર આવ્યું છે.
ચીનના નાગરિક પાસેથી એક લેપટોપ, ચીનનો પાસપોર્ટ, બાંગલાદેશના વિઝા, ઈલેક્ટ્રોનિક ગેઝેટ, ત્રણ મોબાઈલ તથા અમેરિકન ડોલર અને ભારતીય કરન્સી અને બીજો સામાન પણ મળી આવ્યો છે. તેનું નામ હોન જુવેઈ બતાવાઈ રહ્યં છે. ચીનની ભારત સાથેની બોર્ડર ઉત્તર પૂર્વમાં છે ત્યારે ચીનનો નાગરિક વાયા બાંગલાદેશ થઈને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કેમ કરી રહ્યો હતો તેની વિગતો હજી સપાટી પર આવી નથી.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer