ચીનમાં પ્રદૂષણની સમસ્યાથી જામનગરના વાહન પાર્ટ્સ ઉદ્યોગને લાભ

ચીનમાં પ્રદૂષણની સમસ્યાથી જામનગરના વાહન પાર્ટ્સ ઉદ્યોગને લાભ
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 21 : જામનગરના બિનલોહ ધાતુના ઉદ્યોગના કામકાજમાં સુધારો આગળ વધી રહ્યો છે. યુરોપ-જર્મનીમાં કોરોનાની સ્થિતિ વકરવાને લીધે સ્થાનિકમાં હાજર બજારમાં કેટલાક વિશેષ ભંગારની થોડી તંગી વર્તાય છે. જોકે, વિદેશથી જામનગરના ઉદ્યોજકો અને આયાતકારો દ્વારા માસિક સરેરાશ 300 થી 400 આસપાસ કન્ટેનરોની આયાત થઈ રહી હોવાથી જોઇતો પુરવઠો મળી રહે છે.  
ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીનમાં ચરમસીમાએ પહોંચેલ પ્રદૂષણની સમસ્યાને લીધે તેની બિનલોહ ફીનીશ્ડ પ્રોડક્ટની વૈશ્વિક નિકાસમાં મોટો ઘટાડો થયો છે. જેથી જામનગર ખાતે બનતા વાહન પાર્ટ્સ, એસેસરિઝ, હાર્ડવેર પ્રોડક્ટના નિકાસ અૉર્ડર વધ્યા છે, એમ ચોક્કસ કહી શકાય.  
આ ઉપરાંત ચીનની અમુક જંગી માર્કેટ કેપ ધરાવતી બાંધકામ અને સર્વિસ-માર્કેટીંગ કંપનીઓની નાણાંકીય કફોડી સ્થિતિને લીધે આગામી સમય માટેના સરકારી નિર્ણયોની વૈશ્વિક સ્તરે રાહ જોવાઈ રહી છે. આ કંપનીઓની નિષ્ફળતાથી પણ વૈશ્વિક બજારમાં ભારતની નિકાસ પ્રતિષ્ઠાને લાભ થયો છે.  
દરમિયાન દેશના આંતરિક બજારોમાં ડિસેમ્બર મધ્યેથી જામનગરના બ્રાસ પાર્ટસ ઉદ્યોગને સારા અૉર્ડર શરૂ થવાની આશા છે. આમ જામનગર ખાતે અત્યારે નાના-કુટિર ઉદ્યોગને પુરતું કામકાજ મળી રહે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી હોવાથી અનેક કાર્યાલયોમાં સ્ટાફની કમીને લીધે આર્થિક ગતિવિધિ થોડી ખોડંગાય છે. જામનગર એકઝીમ મર્ચન્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જોષીએ જણાવ્યું 
હતું કે, તાંબા-પિત્તળ-એલ્યુમિનિયમના ભાવમાં 60 થી 70 ટકાના વધારાને લીધે આયાતકાર-ઉદ્યોજકોનું નાણા રોકાણ વધવા સાથે કુલ ટેનેજ વૉલ્યુમ ઘટવાથી માર્જીન પર દબાણ રહે છે. આ સિવાય જામનગરના ઉદ્યોજકોને નિકાસ માટેના કન્ટેનરોની થોડી કમી વર્તાય છે. આગામી સમયમાં અમારા કામકાજમાં સુધારાની મને આશા છે.  
જોકે વૈશ્વિક બજારમાં બિનલોહ ધાતુના ભાવની મોટી વધઘટની સમસ્યાથી પણ અમારો ઉદ્યોગ મોટો સ્ટૉક રાખતા ખચકાય છે.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer