રતન તાતાના સાથીનું સ્ટાર્ટઅપ બનશે વડીલોના ઘડપણનો સહારો

રતન તાતાના સાથીનું સ્ટાર્ટઅપ બનશે વડીલોના ઘડપણનો સહારો
મુંબઈ, તા. 21 : તાતા સન્સના ચેરમેન એમિરટ્સ રતન તાતાએ વધુ એક સ્ટાર્ટ-અપને ટેકો આપ્યો છે. આ કંપની ગુડફેલોસના પ્રમોટર શાંતનું નાયડુ હાલ રતન તાતાના બિઝનેસ આસિસ્ટન્ટ છે.
ગુડફેલોસ જે હાલ બીટા ટેસ્ટિંગના તબક્કામાં છે, તે 30 વર્ષથી ઓછી વયના ગ્રેજ્યુએટ્સને નોકરીએ રાખશે. આ કંપનીનો હેતુ વડીલોને સાથીદાર (કમ્પેનિયન) પૂરા પાડવાનો છે, જેઓ તેમની સંતાનો જેવી સારસંભાળ રાખશે.
નાયડુએ કહ્યું કે, આ ગ્રેજ્યુએટ્સ ગુડફેલોસ કહેવાશે અને વડીલોના મિત્ર બનીને તેમની સાથે ચાલવા જશે, શાકભાજીની ખરીદીમાં મદદ કરશે, ડૉક્ટર પાસે લઈ જશે અને એ સિવાયની તમામ મદદ કરશે.
આ ગ્રેજ્યુએટ્સ વરિષ્ઠ નાગરિકોને દસ્તાવેજી કામકાજ, ઈ-મેઇલ વગેરેમાં મદદ કરવા ઉપરાંત તેમને નિરાંતનો સમય પસાર કરવામાં પણ સાથ આપશે. નફો કમાવા માટે શરૂ કરાયેલ આ સ્ટાર્ટઅપ જાન્યુઆરીમાં કૉમર્શિયલ કામકાજ શરૂ કરશે. એકવાર આ કંપની શરૂ થયા પછી તે માસિક સબક્રિપ્શન ચાર્જ કરશે.
રતન તાતાએ કહ્યું કે, આંતરપેઢીય મિત્રતા એકલા રહેતા વડીલો પ્રત્યે સાથીદારની ભાવના દ્વારા દયાળુ, અર્થપૂર્ણ અને ઓથેન્ટિક માર્ગ છે. ગુડફેલોસ અનોખી રીતે હૂંફ પૂરી પાડી રહી છે. ગુડફેલોસની પ્રગતિમાં મને વિશ્વાસ છે અને શાંતનુની ટીમને શુભેચ્છા આપું છું.
જોકે, રતન તાતાએ કેટલું રોકાણ કર્યું છે તે જણાવાયું નથી.
રતન તાતાએ 50 જેટલા સ્ટાર્ટ-અપ્સને ભંડોળ પૂરું પાડયું છે. આમાં એરબીએનબી, બૉમ્બે હેમ્પ કંપની, બ્લુસ્ટોન, ગોકી, ઇકુરે, નેસ્તાવે, પેટીએમ અને ઓલા ઇલેક્ટ્રિક સહિતની કંપનીઓનો સમાવેશ છે. તેમણે લેન્સકાર્ટ અને અર્બન લેડરમાંથી રોકાણ છૂટું પણ કર્યું છે. જ્યારે કેટલીક કંપનીઓ યુનિકોર્ન બની છે.
તાતા દાનવીર છે અને ગ્રુપના ચેરિટેબલ ટ્રસ્ટના વડા તરીકે કાર્યરત છે. તેઓ તેમની ક્ષમતા મુજબ અન્યોને મદદ કરવા માટે કામ કરતી કંપનીઓમાં રોકાણ કરે છે જેમાં ઇલેક્ટ્રિક વાહનથી લઈને હેલ્થકેર અને મોબિલિટી સહિતનો સમાવેશ છે.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer