ખાંડના ધમધમતાં કારખાનાં : ઉત્પાદન વધારવા હોડ

ખાંડના ધમધમતાં કારખાનાં : ઉત્પાદન વધારવા હોડ
ડી. કે. તરફથી
મુંબઇ, તા. 21 : ખાંડની મોસમ થોડી મોડી છતાં પૂરબહારમાં ખીલી છે. મહારાષ્ટ્ર તથા ઉત્તરપ્રદેશ વચ્ચે હંમેશની જેમ ખાંડના ઉત્પાદનમાં હરીફાઇ જામી છે. મહારાષ્ટ્રમાં હાલમાં 141 મિલો કાર્યરત છે તો ઉત્તરપ્રદેશમાં 74 મિલો ખાંડનું ઉત્પાદન કરી રહી છે. આગામી દિવસોમાં વધુ મિલો શરૂ થશે.  ગત સિઝનમાં 15મી નવેમ્બરે દેશમાં કુલ 289 શુગર મિલો સક્રિય હતી, જે આ વખતે સિઝન મોડી શરૂ થઇ હોવા છતાં વધીને 308નો આંકડો દેખાડે છે.  ઇસ્માના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં ભારતમાં કુલ 20.90 લાખ ટન સાકરનું ઉત્પાદન થયું છે. જે ગત સિઝનમાં અત્યાર સુધીમાં થયેલા 16.82 લાખ ટન કરતાં વધારે છે. 
વ્યવસાયિક વર્તુળોનાં અહેવાલ પ્રમાણે આ વખતે 2021-22ની સિઝનમાં ઉત્તરપ્રદેશની ખાંડ મિલોનું કુલ ઉત્પાદન 114 લાખ ટન રહેવાની ધારણા છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના આંકડા પ્રમાણે ગત સિઝનમાં ઉત્તરપ્રદેશમાં 110.60 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. આ વખતે તેમાં આશરે ચાર લાખ ટનનો વધારો થવાની ધારણા છે. સામાન્ય રીતે ઉત્તરપ્રદેશમાં ઓક્ટોબર મહિનાના પ્રારંભ સાથે ખાંડની નવી સિઝન શરૂ થતી હોય છે. પરંતુ આ વખતે ઓક્ટોબરમાં થયેલાં માવઠાંના કારણે સિઝન ઓકટોબર મહિનાના અંતમાં શરૂ થઇ હતી. ઉત્તર પ્રદૈશમાં અત્યાર સુધીમાં 2.88 લાખ ટન સાકરનું ઉત્પાદન થયું છે. જે ગત સિઝનમાં ચાર લાખ ટન હતું. 
મહારાષ્ટ્રમાં હાલમાં કાર્યરત 141 મિલોમાંથી 68 સહકારી સાકર કારખાનાં છે જ્યારે 73 ખાનગી મિલો છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 9.718 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે જ્યારે 112.52 લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું છે. હાલમાં રાજ્યનો રિકવરી રેટ (શેરડીમાં ખાંડનું પ્રમાણ) 8.64 ટકાનો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં કોલ્હાપુર ડિવિઝનમાં ગત સિઝનમાં રિકવરી રેટ સૌથી વધારે હતો. હાલમાં કોલ્હાપુર ડિવિઝનમાં 29 મિલો ચાલુ થઇ છે. અને 079 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે.  
દેશનાં અમુક વિસ્તારોમાં આ વખતે સિઝન મોડી શરૂ થઇ હોવા છતાં અત્યાર સુધીમાં ગત સિઝન કરતાં વધારે ઉત્પાદન થઇ ગયું છે અને પીલાણની ગતિ જે રીતે વધી રહી છે તે જોતાં આ વખતે દેશમાં ખાંડનું ઉત્પાદન ગત વર્ષ કરતાં વધુ થવાની ધારણા મૂકાય છે. 
આમ તો ખાંડ મિલો ખોટના ખાડામાં ગબડી પડી હતી. પણ હવે સરકારે બળતણમાં 20 ટકા ઇથેનોલ ઉમેરવાની મંજૂરી આપી અને મિલોને ઇથેનોલ ઉત્પાદનક્ષમતા સ્થાપવા કે વધારવા માટે નાણાકીય સહાયની બાંહેધરી આપી હોવાથી આ ઉદ્યોગની ગાડી પાટે ચડે એવું લાગે છે.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer