કપ્તાન રોહિતની આક્રમક અર્ધસદી અને હર્ષલ-દીપકની આતશી ઇનિંગથી ભારતના 7/184

કપ્તાન રોહિતની આક્રમક અર્ધસદી અને હર્ષલ-દીપકની આતશી ઇનિંગથી ભારતના 7/184
ન્યૂ ઝીલૅન્ડ સામેની છેલ્લી ટી-20 મૅચ
કોલકાતા, તા. 21 : રોહિત શર્માની 56 રનની કેપ્ટન ઇનિંગ અને પૂંછડિયા ખેલાડી હર્ષલ પટેલ (18) અને દીપક ચહર (21)ની આતશી ઇનિંગથી કોલકતાના ઇડન ગાર્ડન ગ્રાઉન્ડ પર ભારતે ન્યુઝીલેન્ડ સામેના ત્રીજા અને આખરી ટી-20 મેચમાં 7 વિકેટે 184 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. નવમા ક્રમે બેટિંગમાં આવેલા દીપક ચહરે આખરી ઓવરમાં આદમ મિલ્નેની ધોલાઇ કરીને બે ચોક્કા અને એક છક્કાથી 19 રન ઝૂડી નાંખ્યા હતા. તે 8 દડામાં 2 ચોકકા-1 છક્કાથી 21 રને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ વધુ એકવાર પાવર ફૂલ બેટિંગ કરીને 31 દડામાં 5 ચોક્કા અને 3 છક્કાથી 56 રનની ધૂંઆધાર ઇનિંગ રમી હતી.
ભારતની શરૂઆત જોરદાર રહી હતી. રાહુલના સ્થાને ઇલેવનમાં સામેલ ઇશાન અને રોહિત વચ્ચે પહેલી વિકેટમાં 38 દડામાં 69 રનની તાબડતોબ ભાગીદારી થઇ હતી. જો કે કિવિઝના ઇનચાર્જ કેપ્ટન સ્પિનર મિચેલ સેંટનરે એક જ ઓવરમાં કિશન અને સૂર્યકુમારની વિકેટ લઇને ભારતની રન રફતાર પર રોક મૂકી હતી. કિશન 21 દડામાં 6 ચોક્કાથી 29 રને આઉટ થયો હતો. સૂર્ય ઝીરોમાં આઉટ થયો હતો. આ પછી પંત (4)  પણ સેંટનરનો શિકાર બન્યો હતો. જ્યારે રોહિત શર્માનો ઇશ સોઢીએ શાનદાર વળતો કેચ લીધો હતો. શ્રેયસ અય્યરે 20 દડામાં 2 ચોકકાથી 25 અને વેંકટેશ અય્યરે 15 દડામાં 1 ચોક્કા-1 છક્કાથી ઉપયોગી 20 રન કર્યાં હતા. હર્ષલ પટેલે બેટથી પણ કૌવત બતાવીને 11 દડામાં 2 ચોક્કા-1 છક્કાથી 18 રનની ઇનિંગ રમી હતી. તે હિટ વિકેટ આઉટ થયો હતો. તેના અને દીપકના પુરુષાર્થથી ભારત 20 ઓવરના અંતે 7 વિકેટે 184 રને પહોંચ્યું હતું. ન્યુઝીલેન્ડ તરફથી સેંટનરને સૌથી વધુ 3 વિકેટ મળી હતી.
આ પહેલા ભારતીય કપ્તાન રોહિત શર્મા શ્રેણીમાં સતત ત્રીજીવાર ટોસ જીતવામાં નસીબદાર રહ્યો હતો. જો કે આ વખતે તેણે ફિલ્ડિંગ નહીં બેટિંગ પસંદ કરી હતી.
ભારતે આજે તેની ઇલેવનમાં ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ અને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને વિશ્રામ આપ્યા હતા. તેના સ્થાને ઇશાન કિશન અને યજુર્વેન્દ્ર ચહલની ઇલેવનમાં વાપસી થઇ હતી. જ્યારે ન્યુઝીલેન્ડે ઇનચાર્જ કેપ્ટન ટિમ સાઉધીને ટેસ્ટ શ્રેણીને ધ્યાને રાખીને રેસ્ટ આપ્યો હતો. આથી સ્પિનર મિચેલ સેંટનરે સુકાન સંભાળ્યું હતું.
રોહિતના ટી-20 ઇન્ટરનેશનલમાં 150 છક્કા
ટી-20 ઇન્ટરનેશનલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા 150 છક્કા પૂરા કરનારો વિશ્વનો બીજો બેટધર બન્યો હતો. આ માટે આજે તેને ત્રણ છક્કા ફટકારવાની જરૂર હતી. ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ છક્કા કિવિઝના માર્ટિન ગુપ્ટિલ (161)ના નામે છે.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer