સરકારી અધિકારી હોવાનું જણાવી દુકાનદાર સાથે ઠગાઇ કરનારા બંટી-બબલી પકડાયા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.21 : અમે નેશનલ હ્યુમન રાઇટ કમિશનરના સરકારી અધિકારીઓ છીએ, કાનૂની કાર્યવાહી ટાળવી હોય તો રૂપિયા આપો એમ જણાવી રૅશનિંગ દુકાનદાર પાસે 20 હજાર રૂપિયાની ખંડણી માગનારા પ્રશાંત ગંગા વિષ્ણુ (27) અને શબાનાબાનો સિદ્દીકી (30)ની ભાયંદરની નવઘર પોલીસે ધરપકડ કરી હતી.
બંટી અને બબલી પાસેથી બનાવટી નેશનલ હ્યમન રાઇટ કમિશનના આઇ કાર્ડ, લેટરહેડ, મીરા ભાયંદરની રૅશનિંગ દુકાનોની યાદી જપ્ત કરાઇ હતી. બંને આરોપીઓને અદાલતે 23 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે ભાયંદર (પૂર્વ)માં રમેશ વર્માની રૅશનિંગ અને કરિયાણાની દુકાન છે. તેમની દુકાન ઉપર પાંચમી નવેમ્બરે પ્રશાંત અને શબાના સરકારી અધિકારી બનીને પહોંચી ગયા હતા અને તેની કડક તપાસ શરૂ કરી તેની પાસે રૅશનિંગ કાર્ડ આપેલા ગ્રાહકોની યાદી માગી હતી. જે આપવાનો ઇનકાર કરતાં બંને જણે વર્મા ઉપર કેસ કરવાની ધમકી આપી 50 હજાર રૂપિયાની માગણી કરી હતી અને વર્માએ 20 હજાર રૂપિયા બંનેને આપ્યા હતા ત્યારબાદ બંને જણ 30 હજાર રૂપિયા માટે તેને હેરાન પરેશાન કરતા હતા. વર્માએ કંટાળીને નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. શુક્રવારે બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.  

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer