ખારઘરમાં કૅન્સરની સારવાર માટેની પ્રોટોન થેરપી શરૂઆત ટૂંક સમયમાં

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : પ્રોટોન થેરેપી કેન્સરના ટ્રીટમેન્ટ માટેની આધુનિક પદ્ધતિ છે અને આ થરેપીની શરૂઆત ખારઘરમાં ટાટા મેમોરિયલ સેન્ટરના ઍડવાન્સ્ડ સેન્ટર ફૉર ટ્રીટમેન્ટ રિસર્ચ ઍજ્યુકેશન ઈન કૅન્સરમાં ટૂંક સમયમાં શરૂ થશે. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી પાસેથી મંજૂરી આવી જાય એ બાદ પ્રોટોન થેરેપીનો પ્રારંભ કરાશે. આવતા વર્ષની શરૂઆતમાં ટ્રીટમેન્ટ શરૂ થાય એવી શક્યતા છે. 
ટાટા મેમોરિયલ સેન્ટર ડિપાર્ટમેન્ટ અૉફ એટોમિક એનર્જીના હાથ નીચે કામ કરે છે અને તેથી ટ્રીટમેન્ટના ખર્ચમાં દરદીઓને ખાસ્સી રાહત આપવામાં આવશે. ગરીબોને તો કદાચ આ ટ્રીટમેન્ટ ફ્રીમાં મળી શકે છે. એ સિવાય બાળકોને સારવારમાં પ્રાથમિક્તા આપવામાં આવશે. 
ટાટા મેમોરિયલ સેન્ટર અનુસાર દર વર્ષે 800 જેટલા કૅન્સરના દરદીઓને પ્રોટોન થેરેપીની સારવાર મળશે. આ માટેના ટ્રીટમેન્ટ રૂમનું તાજેતરમાં અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. બીજો ટ્રીટમેન્ટ રૂમ પણ લગભગ તૈયાર થઈ ગયો છે. 
સાર્વજાનિક ક્ષેત્રમાં શરૂ થનાર દેશમાં નવી મુંબઈનું આ પ્રથમ પ્રોટોન થેરેપી ટ્રીટમેન્ટ સેન્ટર હશે. પ્રોટોન બીમ થેરેપી મશીન એકદમ અતિ-સુક્ષ્મ કિરણોથી દરદીના શરીરમાના કૅન્સર કોષનો નાશ કરશે. જ્યાં આ કૅન્સર કોષ હશે એનો જ નાશ થશે અને શરીરના આસપાસના નોર્મલ ભાગમાં કોઈ નુકસાન પણ નહીં થાય. ટ્રીટમેન્ટનો સમયગાળો ચાલીસેક દિવસનો હશે અને એનો ખર્ચ 40 લાખથી દોઢ કરોડ વચ્ચે આવી શકે છે. વર્ષમાં 50 ટકા પેશન્ટોની સારવાર નિ:શુલ્ક ધોરણે કરાશે. 
માથા, પ્રોસ્ટેટ, કરોડરજ્જુ, મગજ, લિવર, બ્રેસ્ટ, ગળાના કૅન્સર તથા અન્ય અમુક કૅન્સરને ટ્રીટ કરવા પ્રોટોન થેરેપીનો ઉપયોગ થાય છે. કૅન્સરની ગાંઠ વારેઘડીએ ફુટી નીકળતી હોય તો એની સારવાર માટે અત્યારે રેડિયેશન થેરેપીનો ઉપયોગ થાય છે. સ્ટાન્ડર્ડ રેડિયેશનમાં ફોટોન્સનો ઉપયોગ થાય છે અને એમાં આસપાસના નોર્મલ કોષને પણ નુકસાન થાય છે, પણ પ્રોટોન થેરેપીમાં ગાંઠ સિવાયના ભાગને કોઈ નુકસાન થતું નથી. 

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer