કમોસમી વરસાદને લીધે શાકભાજીના ભાવ આસમાને

કેટલાક વિસ્તારોમાં ટામેટાં 80 રૂપિયાના ભાવે વેચાયા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : કમોસમી વરસાદને કારણે શાકભાજીના છૂટક અને જથ્થાબંધ ભાવમા ઉછાળો આવ્યો છે. ટમેટાંના ભાવ પ્રતિ કિલોના રૂપિયા 70થી 100 વચ્ચે થઈ ગયા છે. જ્યારે અન્ય શાકભાજી રૂપિયા 60થી 80 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. કમોસમી વરસાદના કારણે પુરવઠામાં બાધા પડતા ભાવ વધ્યા હોવાનું વેપારીઓનું કહેવું છે.  
શનિવારે એપીએમસીની હૉલસેલ માર્કેટમાં ટમેટાંનો ભાવ 50 રૂપિયા કિલોનો હતો અને આને લીધે ટમેટાનો છૂટક બજારનો ભાવ 70 અને 100 રૂપિયાની વચ્ચે થઈ ગયો હતો. અન્ય શાકભાજીના હૉલસેલ ભાવ વધી જતાં એના છૂટક ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. 
એપીએમસીના વેપારીઓનું કહેવું છે કે દક્ષિણ ભારત સહિત અનેક ઠેકાણે પડેલા કમોસમી વરસાદને લીધે શાકભાજીના પુરવઠા પર વિપરિત અસર પડી છે. પુરવઠો ઘટયો છે અને માગ વધી હોવાથી ભાવ પણ વધ્યા છે. એક અઠવાડિયા પહેલા હૉલસેલ માર્કેટમાં ટમેટાંનો પ્રતિ કિલોનો ભાવ 30થી 40 રૂપિયા હતો. 
વટાણા, કેપ્સિકમ મરચા, રિંગણા, ભીંડા મુંબઈની છૂટક બજારમાં 60થી 80ના ભાવે વેચાતા હતા. એપીએમસી માર્કેટના અધિકારીઓનું કહેવું છે કે શાકભાજીના વધેલા ભાવ માટે કમોસમી વરસાદ એકમાત્ર કારણ છે. વરસાદમાં મોટાભાગના પાકને નુકસાન થયું છે. રાજ્યના અનેક ભાગમાંથી શાકભાજીની ટ્રક નવી મુંબઈની એપીએમસી બજારમાં આવતી હોય છે, પણ આ ટ્રકોની સંખ્યા ઘટી છે. દક્ષિણ ભારત અને બેન્ગ્લોરથી શાકભાજીની અમુક ટ્રકો આવી છે. શાકભાજીનો નવો માલ આવતા હજી પંદરેક દિવસ લાગશે અને ત્યાં સુધી ભાવ આસમાને જ રહેશે. 
શાકભાજીના એક છૂટક વેપારીએ કહ્યું હતું કે મોટાભાગની શાકભાજીના ભાવમાં છેલ્લા સાત દિવસમાં 30થી 40 ટકાનો ઉછાળો આવ્યો છે. લોકોના ચહેરા પર નારાજગી દેખાય એ સ્વાભાવિક છે. 

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer