ભાજપ અને હિન્દુ સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી અટકાવો : ફડણવીસ

રઝા અકાદમી પર બંધી લાદો
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે રવિવારે એવો આક્ષેપ કર્યો હતો કે મહારાષ્ટ્રના અમરાવતી અને અન્ય શહેરોમાં ફાટી નીકળેલી તાજેતરની હિંસા એક કાવતરું હતું અને રાજ્યમાં અસ્થિરતા નિર્માણ કરવાનો પ્રયાસ હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે પોલીસની ભાજપ અને હિન્દુ સંગઠનો સામેની એકપક્ષીય કાર્યવાહી તત્કાળ બંધ થવી જોઈએ, અન્યથા ભાજપ જેલભરો આંદોલન શરૂ કરશે. 
તેમણે મહારાષ્ટ્ર સરકાર પર આરોપ મૂક્તા કહ્યું હતું કે 12 નવેમ્બરે જે હિંસા થઈ હતી એની ઉપેક્ષા કરવામાં આવી રહી છે અને આ હિંસાની પ્રતિક્રિયારૂપે બીજા દિવસે જે હિંસા થઈ હતી એના પર જ સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 
ત્રિપુરામાની હિંસાના વિરોધમાં મુસ્લિમોએ 12મી નવેમ્બરે મહારાષ્ટ્રમાં ઠેર-ઠેર વિરોધ રૅલીનું આયોજન કર્યું હતું. આ વિરોધ રૅલી બાદ રાજ્યમાં અમરાવતી ઉપરાંત માલેગાંવ અને નાંદેડ શહેરમાં હિંસા થઈ હતી. વાશિમમાં અને યવતમાળમાં પણ છમકલાં નોંધાયા હતા. અમરાવતી શહેરમાં હિંસા બાદ બીજા દિવસે 13 નવેમ્બરે ભાજપે બંધનું એલાન આપ્યું હતું અને બંધ દરમિયાન મુસ્લિમ વિરોધી હિંસા ફાટી નીકળી હતી. અમરાવતીમા પોલીસે અમુક વિસ્તારોમા કર્ફયું પણ લાદ્યો હતો. 
રવિવારે ફડણવીસે કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોની અને ઘાયલોની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. તેમણે પત્રકારોને કહ્યું હતું કે ત્રિપુરાની ખોટી માહિતીના આધારે 12મી નવેમ્બરે ખોટી રીતે મોરચા કાઢવામાં આવ્યા હતા. રાજ્યમાં જાણીજોઈને અસંતોષ ઊભો કરવા સુનિયોજીત રીતે મોરચાનું આયોજન કરવામાં આવેલું. આની તપાસ થવી જોઈએ. જેમણે મોરચાનું આયોજન કરેલું તેમને આળખી કાઢી તેમના હેતુ જાણવો જોઈએ. રાજ્યમાં અસ્થિરતા ઊભી કરવાનું આ એક કાવતરું હતું. 
તેમણે કહ્યું હતું કે પોલીસ ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સામે જ પગલા લઈ રહી છે અને એ અટકવા જોઈએ. જો આ પોલીસ પગલા બંધ નહીં થાય તો ભાજપ જેલભરો આંદોલન કરશે. હિંસાથી કોઈને લાભ થવાનો નથી. શાંતિ સ્થપાય એ માટે પોલીસને સહકાર આપવા અમે તૈયાર છીએ. મુસ્લિમોના 12 નવેમ્બરના મોરચાને પોલીસે પરવાનગી આપેલી કે કેમ એ અમારે જાણવું છે. જો પરવાનગી આપવામાં આવી હોય તો કેટલા માણસોની આપવામાં આવેલી અને પરવાનગી આપતા પહેલા શું તપાસ કરવામાં આવેલી એ પણ અમારે જાણવું છે. બીજા દિવસે જે ઘટના બની એ આગલા દિવસની પ્રતિક્રિયા હતી. અમે હિંસામાં સામેલ નહોતા છતાં અમારા નેતા અને કાર્યકરો સામે પોલીસ પગલા લઈ રહી છે. 
12 નવેમ્બરના મુસ્લિમ મોરચાનું આયોજન રઝા અકાદમી નામના સંગઠને કરેલું અને આ સંગઠન ભાજપ પ્રેરિત છે એવા સત્તાધારી પક્ષના આક્ષેપનો જવાબ આપતા ફડણવીસે કહ્યું હતું કે આ સંગઠન ભાજપ પ્રેરિત હોય તો એના પર બૅન મૂકવાનો રાજ્ય સરકારને પડકાર ફેકું છું. 
તેમણે કહ્યું હતું કે અમરાવતી જિલ્લાના પાલકપ્રધાન યશોમતિ ઠાકુર છે અને આ હિંસા વિશે તેમણે હજી સુધી એક હરફ પણ ઉચ્ચાર્યો નથી. આનાથી આશ્ચર્ય ઊભુ થયું છે.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer