મહંત નરેન્દ્રગિરિએ આપઘાત કર્યો હતો

અખાડા પરિષદ અધ્યક્ષનાં મોત મામલે સીબીઆઈની ચાર્જશીટ : શિષ્ય આનંદગિરિ સહિત ત્રણ આરોપી
લખનઊ, તા. 21 : અખિલ ભારતીય અખાડા પર પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિએ આત્મહત્યા કરી હતી, તેવું સીબીઆઈ દ્વારા અદાલતમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં જણાવાયું છે.
આમ મહંત નરેન્દ્રગિરિની હત્યા કરાઈ હોવાની આશંકાર ખોટી સાબિત થઈ હોવાના દાવા સાથે એજન્સી દ્વારા કલમ 306 અને 120 બી હેઠળ અદાલતમાં આરોપનામું દાખલ કરાયું છે.
સીબીઆઈની ચાર્જશીટમાં આનંદગિરિ, સંદીપ તિવારી અને આદ્યાપ્રસાદ તિવારીને મહંતના મોત માટે જવાબદાર ગણાવાયા છે.
આરોપનામામાં ત્રણેય આરોપી પર સુનિયોજિત ષડયંત્ર હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો છે.
અખાડા પરિષદના અધ્યક્ષના મોતના મામલામાં સીબીઆઈનું આ પ્રથમ આરોપનામું છે. મામલાની તપાસ પુરી થયા બાદ એજન્સી પુરક આરોપનામું પણ દાખલ કરી શકે છે.
મરણોત્તર ચિઠ્ઠી મહંત નરેન્દ્રગિરિએ જ લખી છે, તેવું હસ્તાક્ષરોની તપાસ એફએસએલ પાસેથી કરાવીને સુનિશ્ચિત કરાયું હતું. કોર્ટે 25 નવેમ્બર સુધી ત્રણેય આરોપીની ન્યાયિક કસ્ટડી લંબાવી છે. હવે પછી સુનાવણી 25મી નવેમ્બરના થશે.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer