પંજાબ વિધાનસભા ચૂંટણીમાં બનશે ચોથો મોરચો

કેપ્ટન અને ભાજપ મળીને બદલશે ચૂંટણીનું ચિત્ર
નવી દિલ્હી, તા. 21 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ત્રણ કૃષિ કાયદાની વાપસીના એલાન બાદ પંજાબમાં ચૂંટણીની તસવીર બદલતી જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં આગામી વર્ષની શરૂઆતમાં ચૂંટણી થવાની છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ણય આમ તો પુરા દેશમાં અસર કરશે. પરંતુ પંજાબમાં રાજકીય સમીકરણ બદલી શકે છે. જેનાથી પંજાબની ચૂંટણી ચતુષ્કોણીય બની શકે છે. વર્તમાન સમયમાં કોંગ્રેસ, આપ, અકાલી દળ અને બીએસપીનું ગઠબંધન મેદાનમા છે. પરંતુ હવે કાયદાની વાપસીના કારણે કેપ્ટન અમરિંદર સિંહ અને ભાજપ મળીને ચોથો મોરચો બની શકશે. 
લાંબા સમયથી પંજાબમાં કોંગ્રેસ અને અકાલી દળ વચ્ચે ધ્રુવીય મુકાબલો જ થતો રહ્યો છે. પરંતુ 2017મા આપ ત્રીજા મોરચા તરીકે આવ્યો હતો. ત્યાર બાદ ભાજપ અને કેપ્ટન મળીને નવી શક્તિ તરીકે ઉભરી આવ્યા છે. તેવામાં સ્પષ્ટ છે કે 2022ની ચૂંટણી રોમાંચક થવાની છે. 117 બેઠકની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં 2017મા અમરિંદર સિંહની લીડરશીપમાં કોંગ્રેસને 77 બેઠક મળી હતી. આ ઉપરાંત આપ 20 બેઠક સાથે બીજા ક્રમાંકે રહી હતી. જ્યારે શિરોમણી અકાલી દળ અને ભાજપને માત્ર 18 બેઠક મળી હતી.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer