અભ્યાસક્રમમાં ફેરફારની માહિતી આપવા પ્રત્યેક કૉલેજમાં ખાસ વિભાગ સ્થાપવાની હિમાયત

અભ્યાસક્રમમાં ફેરફારની માહિતી આપવા પ્રત્યેક કૉલેજમાં ખાસ વિભાગ સ્થાપવાની હિમાયત
મુંબઈ, તા.21 : રાષ્ટ્રીય શિક્ષણ ધોરણ 2020ની અમલબજાવણી દેશભરમાં ટૂંકસમયમાં શરૂ થવાની છે. આ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટે પ્રત્યેક કૉલેજોમાં એનઇપી કક્ષ (નેશનલ ઍજ્યુકેશન પોલિસી)ની સ્થાપના કરવી એવી સૂચના વિદ્યાપીઠના અનુદાન આયોગે કરી છે. 
આગામી શૈક્ષણિક વર્ષથી દેશભરમાં તબક્કાવાર રાષ્ટ્રીય શિક્ષણ ધોરણની અમલબજાવણી થવાની છે. જે અંગે કૉલેજોના પ્રિન્સિપાલ, શિક્ષકો, પ્રૉફેસરોની માહિતી આપવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવા શૈક્ષણિક સંસ્થાનોમાં એનઇપી કક્ષની સ્થાપના કરાશે, જેમાં એકેડેમીક બૅન્ક અૉફ ક્રેડિટસ વિશે માહિતી, વિદ્યાર્થીઓ પોતાની સવલતે શિક્ષણ લે, તેમ જ સવલત અનુસાર શિક્ષણ છોડતી વખતે તેમની પાસે કઇ પદવી, પ્રમાણપત્ર મળશે તેની માહિતી આપવાનું અપેક્ષિત છે. કૌશલ્યાધારિત શિક્ષણને પ્રોત્સાહન આપતા રોજગારમાં તક કઇ રીતે મળશે આ બાબતે માહિતી કક્ષ મારફત વિદ્યાર્થીઓને મળશે. તદુપરાંત ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાના હેતુથી અૉનલાઇન અને શિક્ષણથી દૂર થયેલા વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવા માટે તે બાબતની તક અંગે માહિતી આપવાનું કામ પણ કક્ષનું રહેશે. 
વિદેશી વિદ્યાર્થીઓને સહકાર આપવા માટે સ્વતંત્ર કક્ષની સ્થાપના કરવાની સૂચના આપવામાં આવી છે. નવા શિક્ષણ ધોરણમાં અૉનલાઇન શિક્ષણને વિશેષ મહત્વ પ્રાપ્ત થયુ છે. જેને પગલે સ્વયમ 2021માં કયા અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાયા છે, કયા અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓને 40 ક્રેડિટ્સ મળી શકે એ અંગેની તમામ જાણકારી વિદ્યાર્થીઓને આપવાની જવાબદારી કક્ષની રહેશે. 
અભ્યાસક્રમમાં ફેરફાર
રાષ્ટ્રીય શિક્ષણ ધોરણ તેમ જ ઉચ્ચ શિક્ષણમાંના વિદ્યાપીઠ અનુદાન આયોગ, અખિલ ભારતીય તંત્ર શિક્ષણ પરિષદ જેવી શિખર સંસ્થાઓએ કૌશલ્યપૂર્ણ અને સર્વ સમાવેશ શિક્ષણને વિશેષ મહત્વ આપ્યું છે. તે અણુસાર દેશમાં વિવિધ વિદ્યાપીઠોમાં અભ્યાસક્રમમાં ફેરફારની શરૂઆત થઇ છે. આગામી શૈક્ષણિક વર્ષથી મુંબઈ વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં મહત્વપૂર્ણ ફેરફાર થવાના છે, જેમાં વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમની આવશ્યકતા અનુસાર કેસ સ્ટડીઝ આપવામાં આવશે.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer