વાનખેડેની સરકારી નોકરીમાં નિમણૂંકને વડી અદાલતમાં પડકાર

વાનખેડેની સરકારી નોકરીમાં નિમણૂંકને વડી અદાલતમાં પડકાર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.21 : બૉલીવુડમાંના અનેક સિતારાઓ વિરુધ્ધ ડ્રગ્સ સંબંધિત કાર્યવાહી કરનારા નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોના મુંબઈ ઝોનલ ડિરેકટર સમીર વાનખેડે વિરુધ્ધ લઘુમતિ કક્ષાના પ્રધાન નવાબ મલિકે અનેક ગંભીર આરોપ કર્યા બાદ વાનખેડેની સમસ્યામાં વધુ એક ઉમેરો થયો છે. જન્મે મુસ્લિમ હોવા છતાં અનુસૂચિત જાતિ (એસસી) વર્ગમાં હોવાના ખોટા દસ્તાવેજોના આધારે ભારતીય મહેસૂલ સેવામાં સરકારી નોકરી મેળવી સરકારની ઠગાઇ કરી, એસસી કવોટામાંના ઉમેદવારનો હક્ક વાનખેડેએ છીનવી લીધો છે. તેથી વાનખેડેની નિમણૂંક રદ કરવા સહિત તેમની વિરુધ્ધ ફોજદારી કાર્યવાહીના આદેશ આપવામાં આવે એવી રિટ અરજી મુંબઈ હાઇકોર્ટમાં શનિવારે દાખલ કરવામાં આવી છે. કુર્લામાંના સામાજિક કાર્યકર્તા અશોક કાંબળેએ વકીલ નીતિન સાતપુતે મારફત આ અરજી કરી છે. સમીર વાનખેડેએ અત્યારસુધી સરકારી સેવામાં મેળવેલા તમામ લાભ તેમની પાસેથી 18 ટકા વ્યાજે વસૂલ કરવાના નિર્દેશ કેન્દ્ર સરકારને આપવામાં આવે તેમ જ અરજી ઉપર અંતિમ સુનાવણી ન થાય ત્યાં સુધી તેમનું વેતન તથા અન્ય લાભ અટકાવી દેવાની વિનંતી કાંબળેએ અરજીમાં કરી છે.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer