મુંબઈના રસ્તાને કચરામુક્ત બનાવવા હવે બેલગાંવ પેટર્ન

મુંબઈના રસ્તાને કચરામુક્ત બનાવવા હવે બેલગાંવ પેટર્ન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.21 : મહાનગરમાં રસ્તાઓ ઉપર મૂકાયેલી ખૂલી કચરાપેટીને કારણે તેની આસપાસની જગ્યામાં કચરો પડેલો નજરે પડતો હોય છે, જેનાથી રાહદારીઓને અને આસપાસના સ્થાનિકોને હેરાનગતિ થતી હોય છે. આ સમસ્યાના સમાધાન માટે મુંબઈ મહાનગરપાલિકા બેલગાંવ પેટર્ન અપનાવશે. બેલગાંવમાં કચરાપેટી ભૂગર્ભમાં બનાવાઇ છે, જેને પગલે કચરો બહાર આવતો નથી કે ફેલાતો નથી. મુંબઈમાં પણ આ પેટર્ન અપનાવાશે જેને પગલે કચરો બહાર નહીં આવે. 
ભાજપા નગરસેવિકા સ્વપ્ના મ્હાત્રેએ પાલિકામાં મુંબઈમાં બેલગાંવ પેટર્ન અમલમાં મૂકવાનો પ્રસ્તાવ આપ્યો હતો. તેમના પ્રસ્તાવ ઉપર બેઠક દરમિયાન ચર્ચા થશે અને પ્રસ્તાવ મંજૂર થાય બાદ પાલિકા કમિશનરને પ્રસ્તાવ મોકલાશે. પ્રશાસનથી મંજૂરી મળ્યા બાદ બેલગાંવ પેટર્નને મુંબઈમાં લાગુ કરાશે. 
મુંબઈમાં દૈનિક 6,500થી 6,800 મેટ્રિક ટન કચરો જમા થાય છે. પાલિકાનો દાવો છે કે તે દરરોજ 100 ટકા કચરો ઉપાડે છે, કચરો ઉઠાવતા વાહનોએ રોજ 1600થી વધુ ચક્કર લગાવવા પડે છે. મુંબઈમાં 949 પૉઇન્ટ એવા છે, જ્યાંથી પાલિકા કચરો ઉપાડે છે. પાલિકાએ જણાવ્યું હતું કે કચરાપેટી ખૂલ્લી હોવાને કારણે પક્ષી, ઉંદર, ગાય, શ્વાનો ભોજનની શોધમાં કચરાને રસ્તા ઉપર ફેલાવી દે છે અને લોકોને હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે.  
મહાલક્ષ્મીમાં કચરામાંથી વીજ ઉત્પાદન 
પાલિકાએ ડપિંગ ગ્રાઇન્ડનો ભાર હળવો કરવા માટે 100 કિલોથી વધુ કચરો કરનારી સોસાયટીઓને ભીનો કચરો અલગ કરીને તેનું ખાતર બનાવવાનું ફરજિયાત કર્યુ છે, જ્યાં કચરો થાય છે તે જ જગ્યાએ તેની ઉપર પ્રક્રિયા કરવાનો પ્રયોગ અંધેરીમાં શરૂ કરાયો છે. મહાલક્ષ્મીમાં કચરાથી વીજ નિર્માણ કરવાનું કામ શરૂ કરાયુ છે. 
શું છે બેલગાંવ પેટર્ન ?
બેલગાંવમાં એક ટન ક્ષમતાનું ભૂગર્ભમાં હાઇડ્રોલિક ડસ્ટબીન બનાવાયું છે. તેની બાજુમાં માત્ર કચરો ફેંકવા ઢાંકણ મૂકાયુ છે. અહીં ઢાંકણ ઉઠાવીને કચરો ફેંકવાનો રહે છે. જેને પગલે કચરો આસપાસના પરિસરમાં જતો નથી અને દુર્ગંધ પણ ફેલાતી નથી. કચરાપેટી ભરાઇ જતાં સેન્સરને પગલે સંબંધિત કર્મચારીને મોબાઇલ ઉપર એલર્ટ આવે છે અને આ જ એલર્ટ નગરસેવક તથા વરિષ્ઠ અધિકારીને મળે છે. કચરાપેટીને તાકિદે ખાલી કરી દેવાય છે. જો આ કામમાં સંબંધિત કર્મચારીની બેદરકારી જણાય તો તેની વિરુધ્ધ કાર્યવાહી પણ કરાય છે.  

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer