રાજસ્થાન પ્રધાનમંડળનું વિસ્તરણ

રાજસ્થાન પ્રધાનમંડળનું વિસ્તરણ
નવા 15  પ્રધાનોના શપથ; પાયલટ જૂથને સ્થાન અપાયું
જયપુર, તા. 21 : રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારની પુરી કેબિનેટે શનિવારે રાજીનામુ આપ્યા બાદ રવિવારે કુલ 15 વિધાયકોએ મંત્રી પદના શપથ લીધા હતા. કેબિનેટ ફેરબદલમાં કોંગ્રેસ દ્વારા જાતિય સમિકરણોને ધ્યાને લેવામાં આવ્યા છે અને પાયલોટ છાવણીને પણ સાધવાની કોશિશ કરવામાં આવી છે. જેમાં પાયલોટ સમર્થક પાંચ વિધાયકને સમાવવવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ મહિલા વિધાયક પણ સામેલ કરવામાં આવ્યા છે. 15 વિધાયકમાંથી 4 વિધાયકે રાજ્ય મંત્રી તરીકે અને 11 વિધાયકએ કેબિનેટ મંત્રી તરીકે ગોપનિયતાના શપથ લીધા હતા. રાજ્યની કોંગ્રેસ સરકાર આગામી મહિને કાર્યકાળના ત્રણ વર્ષ પુરા કરવા જઈ રહી છે અને આ મંત્રીમંડળની પહેલી ફેરબદલ છે. ગઠન બાદ મુખ્યમંત્રી ગેહલોતે મંત્રી બનનારા તમામ વિધાયકોને શુભકામના પાઠવી હતી. બીજી તરફ કેબિનેટ ફેરબદલને લઈને કોંગ્રેસમાં વિરોધ પણ શરૂ થયો છે. જેમાં ટીકારામ જુલી ઉપર કોંગ્રેસના જ વિધાયકે ભ્રષ્ટાચારી હોવાનો આરોપ મુક્યો છે. જ્યારે વિધાયક શફિયાએ 33 ટકા મહિલા અનામત ન હોવાથી નારાજગી વ્યક્ત કરી છે.
રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ  વિધાયક હેમારામ ચૌધરી, મહેન્દ્રજીત સિંહ માલવીય, રામલાલ જાટ, મહેશ જોશી, વિશ્વેન્દ્ર સિંહ, રમેશ મીણા, મમતા ભૂપેશ, ભજનલાલ જાટવ, ટીકારામ જૂલી, ગોવિંદ રામ મેઘવાલ અને શકુંતલા રાવતને કેબિનેટ મંત્રી તરીકે  શપથ લેવડાવ્યા હતા. જ્યારે ઝાહિદા ખાન, બૃજેન્દ્ર ઓલા, રાજેન્દ્ર ગુઢા અને મુરારીલાલ મીણાને રાજ્યમંત્રીના પદે શપથ અપાવ્યા હતા. નવા મંત્રીઓમાં મમતા ભુપેશ, ભજનલાલ જાટવ અને ટીકારામ જૂલીને રાજ્યમંત્રી પદેથી પ્રમોશન આપીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ યાદીમાં હેમારામ ચૌધરી, મુરારીલાલ મીણા અને બૃજેન્દ્ર ઓલા સહિત પાંચ વિધાયકોને પાયલોટ છાવણીના ગણવામાં આવે છે. 

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer