નવું વિધ્વંસક યુદ્ધજહાજ િવશાખાપટ્ટનમ નૌકાદળમાં સામેલ

નવું વિધ્વંસક યુદ્ધજહાજ િવશાખાપટ્ટનમ નૌકાદળમાં સામેલ
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે સ્વદેશી અત્યાધુનિક જહાજ રાષ્ટ્રને સમર્પિત કર્યું
મુંબઈ, તા. 21 : ભારતીય નૌકાદળનું નવું વિધ્વંશક આઇએનએસ વિશાખાપટ્ટનમ આજે નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે આઇએનએસ વિશાખાપટ્ટનમને નૌકાદળમાં સામેલ કર્યું હતું. આ અવસરે રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત ટૂંક સમયમાં સમગ્ર દુનિયા માટે જહાજનું નિર્માણ કરશે.
દરમિયાન, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ચીન પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે, વર્ચસ્વવાદી પ્રવૃત્તિ કરતા અમુક બિન જવાબદાર દેશ તેમના પક્ષપાતી હિતોને કારણે ધ યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અૉન ધ લૉ અૉફ ધ સી (યુએનસીએલઓએસ)નું ખોટું અર્થઘટન કરી એને નબળો કરવાના પ્રયાસો કરી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે.
મેક ઇન ઇન્ડિયયા અંતર્ગત મુંબઈના મઝગાવ ડૉક ખાતે બનાવાયેલા આઇએનએસ વિશાખાપટ્ટનમની ખાસિયતોની વાત કરીએ તો, એની લંબાઈ 163 મીટર અને પહોળાઈ 17 મીટર છે, જ્યારે એનું કુલ વજન 7400 ટન છે અને એમાં ઉપયોગમાં લેવાયેલા 75 ટકા ઉપકરણો સ્વદેશી છે.  આઇએનએસ વિશાખાપટ્ટનમની સૌથી મોટી ખાસિયત એ છે કે જહાજની બહારની બાજુ એક ખાસ સ્ટીલની ધાતુમાંથી બનાવેલી હોવાથી દુશ્મનોના રડાર પણ એને આંતરી શકશે નહીં. વિશાખાપટ્ટનમ દેશનું પહેલું પી-15બી ક્લાસનું સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ વિધ્વંશક છે. એની મહત્તમ સ્પીડ પ્રતિ કલાક 55.56  કિલોમીટર છે. યુદ્ધ જહાજમાં ટૉરપીડો ટયૂબ અને લૉન્ચર, સબમરીન વિરોધી રૉકેટ લૉન્ચર, સુપર રૅપિડ ગન માઉન્ટ ઉપરાંત કૉમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ, ઇન્ટિગ્રેટેડ પ્લેટફૉર્મ મેનેજમેન્ટ સિસ્ટમ પણ બેસાડવામાં આવી છે.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer