29મીએ સંસદ સુધી ટ્રેક્ટર માર્ચ અગાઉ આજે મહાપંચાયત : સંયુક્ત કિસાન મોરચો

29મીએ સંસદ સુધી ટ્રેક્ટર માર્ચ અગાઉ આજે મહાપંચાયત : સંયુક્ત કિસાન મોરચો
ટેકાના ભાવની ગેરન્ટી સુધી આંદોલન માટે ખેડૂતો મક્કમ
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા.21: ત્રણ વિવાદિત કૃષિ કાયદાની વાપસીની ઘોષણા બાદ હવે તા.24 નવેમ્બર, બુધવારે મળનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ કાયદાઓને પરત લેવાના પ્રસ્તાવને મંજૂરી આપવાની ચર્ચા અને નિર્ણય થાય તેવી સંભાવના છે. બીજીબાજુ કાયદા પરત ખેંચવાની વડાપ્રધાનની જાહેરાત બાદ પણ કિસાનો આંદોલન સમેટી લેવાના મિજાજમાં નથી. કેન્દ્ર સરકાર જ્યાં સુધી ત્રણેય કાયદા પરત ખેંચીને ન્યૂનતમ સમર્થન મૂલ્ય(એમએસપી)ની ગેરેન્ટી ન આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા માટે મક્કમ છે. 
દિલ્હીમાં આજે સિંઘુ બોર્ડર ઉપર વિભિન્ન કિસાન સંગઠનોના મંચ કિસાન સંયુક્ત મોરચાની બેઠક મળી હતી અને આજે તેમાં થયેલી ચર્ચા પછી આ એલાન કરવામાં આવ્યું હતું. ત્રણેય કાયદા પરત ખેંચવાની સરકારની જાહેરાત બાદ આજે મળેલી મોરચાની પહેલી બેઠકમાં ટેકાનાં ભાવની બાંયધરી, આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોનાં પરિજનોને વળતર અને કિસાનો સામે દાખલ થયેલા મુકદ્મા પરત લેવાની માગણી ઉપર સર્વાનુમતિ સધાઈ હતી. 
આજની બેઠક બાદ કિસાન નેતા બલબીર સિંહ રાજેવાલે કહ્યું હતું કે, આજની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નામે ખુલ્લો પત્ર લખવા નક્કી કરવામાં આવ્યું છે. આ પત્રમાં કિસાનો પોતાની પડતર માગણીઓનો ઉલ્લેખ કરશે. આ ઉપરાંત ટેકાના ભાવની સમિતિ, તેના અધિકાર, તેની સમયસીમા, તેનાં કર્તવ્ય, વિદ્યુત વિધેયક 2020, કિસાનો સામે નોંધાયેલા કેસની વાપસી સહિતના મુદ્દા અને માગણીઓ ઉઠાવવામાં આવશે.
આટલું જ નહીં પત્રમાં લખીમપુર ખીરીની ઘટના સંબંધમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીને બરખાસ્ત કરવાની માગણી પણ મૂકવામાં આવશે. રાજેવાલે આગળ કહ્યું હતું કે, કિસાન સંયુક્ત મોરચાની બેઠક હવે 27મી નવેમ્બરે ફરીથી મળશે. ત્યારબાદ સ્થિતિ અનુસાર ભાવિ રણનીતિ ઘડવામાં આવશે.
આ સિવાય બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, 22મી નવેમ્બરે લખનઉમાં કિસાનોની મહાપંચાયત પણ યોજવામાં આવશે. તદુપરાંત કિસાન આંદોલનને એક વર્ષ પૂર્ણ થવાનાં અવસરે 26 નવેમ્બર- શુક્રવારે દિલ્હીની બોર્ડરો ઉપર કિસાનો એકત્ર થશે અને પ્રદર્શન કરશે. ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાની સરકારે ઘોષણા કરી દીધી છે ત્યારે 29મી નવેમ્બરે સંસદ ભણી કૂચના કાર્યક્રમ વિશે આજે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. આ બારામાં હવે 27મીએ ફરીથી મળનારી મોરચાની બેઠકમાં જ ફેંસલો કરવામાં આવશે.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer