નવા ખેલાડીઓને ખુદને સાબિત કરવાની પૂરતી તક અપાશે : રોહિત

નવા ખેલાડીઓને ખુદને સાબિત કરવાની પૂરતી તક અપાશે : રોહિત
ભારતીય કૅપ્ટન ટીમના બોલરો અને અશ્વિન પર ઓળઘોળ
કોલકતા, તા.21: ભારતીય કપ્તાન રોહિત શર્માએ ન્યુઝિલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં 3-0ની જીત બાદ ટીમના બોલરો અને ખાસ કરીને અનુભવી રવિચંદ્રન અશ્વિનની ભારોભાર પ્રશંસા કરી છે. મેચ બાદની પત્રકાર પરિષદમાં રોહિતે જણાવ્યું કે વચ્ચેની ઓવરોમાં જ્યારે પણ વિકેટોની જરૂર હોય છે ત્યારે અશ્વિન હંમેશાં આક્રમક વિકલ્પ હોય છે. જીતમાં ટીમના બોલરોની ભૂમિકા સકારાત્મક રહી. જે સારી નિશાની છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે રોહિત શર્મા આ શ્રેણીથી ટી-20નો નિયમિત કપ્તાન બન્યો છે જ્યારે અશ્વિને વિશ્વ કપથી લિમિટેડ ઓવર્સના ક્રિકેટમાં વાપસી કરી છે અને પ્રભાવશાળી દેખાવ કરી રહ્યો છે. રોહિતે એમ પણ કહ્યં કે અમે નવા ખેલાડીઓને વધુ ને વધુ સમય આપી રહ્યા છીએ, જેથી તેઓ ખુદને સાબિત કરી શકે. અમારી યોજના છે કે વૈંકટેશ અય્યર જેવા ખેલાડીઓને વધુ મોકા આપીએ.
રોહિતે જણાવ્યું કે અશ્વિન હંમેશાં કોઈપણ સુકાનીનો આક્રમક વિકલ્પ હોય છે. તેના જેવા બોલરના રહેતા આપને વચ્ચેની ઓવરોમાં વિકેટ લેવાના મોકા મળી રહે છે. તેણે શાનદાર વાપસી કરી છે. તે જબરદસ્ત બોલર છે. તે બધા જાણે છે. તેણે પાછલા ઘણાં વર્ષોથી ટેસ્ટ મેચોમાં ખુદને સાબિત કર્યો છે. લિમિટેડ ઓવર્સના ક્રિકેટમાં પણ તેને રેકોર્ડ ખરાબ નથી.
વિશ્વ કપના ખરાબ દેખાવ પર કોચ રાહુલ દ્રવિડે જીતની રાહ પર કેવી રીતે વાપસી કરાવી તેવા સવાલ પર સુકાની રોહિતે જણાવ્યું કે અમે ટીમની અંદર સ્વસ્થ માહોલ તૈયાર કરવાની કોશિશ કરીએ છીએ. ખેલાડીઓને સુરક્ષા આપવાની કોશિશ કરીએ છીએ. આથી તે નિડર બનીને રમી શકે છે. આ કામ કપ્તાન અને કોચનું છે. ભારતમાં પ્રતિભાની કમી નથી. આપને ઘણા વિકલ્પ મળી રહે છે. આથી કામ આસાન બની રહે છે. આ શ્રેણીમાં બોલિંગ સૌથી સકારાત્મક વાત રહી. અમે પહેલા બે મેચમાં ન્યુઝિલેન્ડની વિસ્ફોટક શરૂઆત બાદ સારી વાપસી કરી. જે બોલરો માટે સરાહનીય કામ રહ્યં.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer