ડૉલર સુધરતાં સોનામાં બે સપ્તાહના નીચા ભાવ

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 22 : સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં બે અઠવાડિયાની નીચી 1840 ડોલરની સપાટીએ પહોંચ્યો હતો. ડોલરના મૂલ્યમાં સુધારો તથા અમેરિકી ફેડરલ રિઝર્વ હવે ઉદ્દીપક પેકેજોરૂપે લેવામાં આવેલા પગલામાં ધીરે ધીરે પીછેહઠ કરશે એવાસંકેતો મળવા લાગતા વેચવાલી નીકળી હતી. અમેરિકા સહિતના દેશોમાં ફુગાવાના પરિબળો માથું ઉંચકી રહ્યા છે એ કારણે હવે વ્યાજદર પણ ટૂંકા ગાળામાં વધશે એવું જણાય રહ્યું છે. સોનાની અસરથી ચાંદી પણ ઘટીને 24.73 ડોલરની સપાટીએ રહી હતી. 
સોનાનો ભાવ આજે 10 નવેમ્બર પછીની તળિયાની સપાટીએ પહોંચ્યો હતો. ફેડના વાઇસ ચેરમેન રિચાર્ડ ક્લેરિડાએ એવું સૂચન કર્યું હતુ કે ડિસેમ્બરની બેઠકમાં હવે બોન્ડના ટેપરીંગનો વિચાર મૂકવામાં આવશે. આ મુદ્દે ચર્ચા કરીને પછી નિર્ણય લેવામાં આવશે. 
ફુગાવો વધારવા માટે ક્રૂડ તેલના ભાવ વધારે પ્રમાણમાં જવાબદાર છે. સોનાના ભાવ પર તેની પણ અસર આવનારા દિવસોમાં પડી શકે છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ. 170ના ઘટાડામાં રૂ. 50330 અને મુંબઇમાં રૂ. 401 ઘટતા રૂ. 48834 હતો. ચાંદીનો ભાવ રાજકોટમાં એક કિલોએ રૂ. 66500ની સપાટીએ સ્થિર હતો. મુંબઇમાં રૂ. 657ના ઘટાડામાં રૂ. 65829 હતો.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer