અરમાકો ભારતમાં રોકાણો કરશે

અરમાકો ભારતમાં રોકાણો કરશે
રિલાયન્સ સાથે છેડો ફાટ્યો હોવા છતાં
મુંબઈ, તા. 22 : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મિડલ ઈસ્ટની કંપની સાઉદી અરમાકોને પોતાનો કેટલોક હિસ્સો વેચવાની યોજના પડતી મૂક્યા બાદ સાઉદી અરમાકોએ જણાવ્યું છે કે તે ભારતમાં રોકાણ માટેની તકો શોધતી રહેશે. એક નિવેદનમાં અરમાકોએ જણાવ્યું છે કે ભારત, લાંબા ગાળામાં વિકાસ માટે અસાધારણ તકો ધરાવે છે. એટલે, કંપની પોતાના સંભવિત ભાગીદારો સાથે નવા તેમ જ હાલના બિઝનેસની તકોનું મૂલ્યાંકન ચાલુ રાખશે.  
અરમાકોએ અૉગસ્ટ, 2019માં રિલાયન્સના રૂા. 15 અબજ ડૉલરના અૉઈલ-ટુકેમિકલ્સ યુનિટમાં 20 ટકા હિસ્સો ખરીદવા માટે નોન-બાઇન્ડિંગ લેટર અૉફ ઈન્ટેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. ગયા શુક્રવારે રિલાયન્સે જણાવ્યું હતું કે અરમાકો આ સોદામાંથી બહાર નીકળી ગઈ છે. 
અરમાકોએ જણાવ્યું કે રિલાયન્સ અને અરમાકો વચ્ચે લાંબા સમયથી મજબૂત સંબંધો છે અને અમે ભારતમાં રોકાણની તકો શોધવાનું ચાલુ રાખીશું. રિલાયન્સનું નિવેદન પણ જણાવે છે કે કંપનીને ભારતમાં અરમાકો સાથેની ભાગીદારી પંસદ છે અને વધુ ચોખવટો સિવાય તે આ સમજૂતી પ્રત્યે પ્રતિબદ્ધ છે. 
આ વર્ષે જૂનમાં જ રિલાયન્સે જણાવ્યું હતું કે તે અરમાકો સાથેની ઈન્વેસ્ટમેન્ટ ડીલને આખરી ઓપ આવા વિચારી રહી છે અને તે માટે અરમાકોના ચૅરમૅન યાસિર અલ-રુમાય્યાનને તેના બોર્ડના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા. 
વર્ષ 2020માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે મહામારી અને બળતણની માગ ઉપર તેની અસરને પગલે અરામ્કો સાથેના સોદામાં અવરોધો સર્જાયા હોવાનું નિવેદન આપ્યા બાદ જૂન મહિનાની ગતિવિધિઓથી બંને કંપનીઓ વચ્ચેનો સોદો પાર પડશે તેવી આશા જાગી હતી.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer