મોબાઈલ ફોન કૉલ મોંઘા થશે

મોબાઈલ ફોન કૉલ મોંઘા થશે
એરટેલના પ્રીપેઇડ ટેરિફ પચીસ ટકા સુધી વધશે
મુંબઈ, તા. 22 : ભારતી એરટેલ 26મી નવેમ્બરથી તમામ પ્રિ-પેઇડ પ્લાન્સના ટૅરિફમાં 20થી 25 ટકાનો વધારો કરશે. કંપનીએ જણાવ્યું છે કે નાણાકીય રીતે તંદુરસ્ત બિઝનેસ મોડેલ માટે એવરેજ રેવન્યુ પર યુઝર (એઆરપીયુ) વધારવી જરૂરી હોવાથી તેણે આ નિર્ણય લીધો છે. 
આજે સવારે એરટેલે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવાયું છે કે નાણાકીય રીતે તંદુરસ્ત બિઝનેસ મોડેલ માટે મૂડી પર વાજબી વળતર આપી શકે એટલા ચાર્જિસ જરૂરી છે અને એરટેલ હંમેશા આ તંદુરસ્તી જાળવી રાખી છે. આ માટે વપરાશકાર દીઠ સરેરાશ કમાણી (એઆરપીયુ) રૂા. 200થી રૂા. 300 જેટલી આવશ્યક છે. 
દેશમાં બીજી સૌથી મોટી ટેલિકોમ અૉપરેટર કંપનીનો એઆરપીયુ હાલમાં રૂા. 153 છે, જેની સામે હરીફ કંપનીઓ જિયોનો રૂા. 144 અને વોડાફોન આઈડિયાનો રૂા. 109 છે. 
કંપનીએ જણાવ્યું છે કે એઆરપીયુ વધવાને પગલે અમે નેટવર્ક અને સ્પેક્ટ્રમમાં નોંધપાત્ર રોકાણો કરી શકીશું. ઉપરાંત, વધુ મહત્ત્વનું એ છે કે 26મી નવેમ્બર, 2021ના રોજથી અમલી બનનારા આ વધારાને પગલે અમને ભારતમાં ફાઇવ-જી શરૂ કરવા માટે પણ ટેકો મળશે. 
નવા ટૅરિફ મુજબ એરટેલના રૂા. 79ના બેઝ પ્લાનનો ચાર્જ હવે રૂા. 99 થશે. 365 દિવસની વેલિડિટી સાથે દૈનિક બે જીબી ડેટા અને દૈનિક 100 એસએમએસની સેવા ધરાવતા રૂા. 2498ના પ્રીમિયમ પ્લાનના હવે રૂા. 2999 વસૂલાશે. પ્રત્યેક પ્રિપેઇડ પ્લાનમાં લઘુતમ રૂા. 20નો વધારો કરાયો છે, જ્યારે કેટલાક પેકેજમાં રૂા. 501 સુધીનો વધારો પણ જોવા મળે છે. કંપનીના રૂા. 698ના પેકેજનો ભાવ હવે રૂા. 839 કરાયો છે, જ્યારે રૂા. 598નું પેક રૂા. 719માં મળશે.
બજારના વિશ્લેષકો માને છે કે એરટેલના પગલે ટૅલિકોમ સેવા આપતી અન્ય કંપનીઓના ટેરિફમાં પણ ભાવવધારો ઝીંકાશે.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer