આ વર્ષે વિકાસ દર 9.3થી 9.6 ટકા રહેશે : એસબીઆઈ રિસર્ચ

આ વર્ષે વિકાસ દર 9.3થી 9.6 ટકા રહેશે : એસબીઆઈ રિસર્ચ
કોવિડના કેસ ઘટતાં આર્થિક વિકાસની ગાડી પૂરપાટ ગતિમાં 
મુંબઈ, તા. 22 : સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા (એસબીઆઈ) રિસર્ચે નાણાં વર્ષ 2022 માટે ભારતના જીડીપીમાં વૃદ્ધિનો અંદાજ વધારીને 9.3થી 9.6 ટકા કર્યો છે. આર્થિક વિકાસનું અનુમાન વધારવા પાછળનું કારણ એ છે કે દેશમાં ત્રીજા ત્રિમાસિક - જુલાઈથી સપ્ટેમ્બર, 2021ના ગાળામાં કોવિડના કેસોમાં ફક્ત 11 ટકા જેટલો જ વધારો નોંધાયો છે, જે કોવિડથી સૌથી વધુ અસરગ્રસ્ત એવા 15 દેશોમાં બીજો સૌથી ઓછો વધારો છે. 
દેશની સૌથી મોટી બૅન્કની રિસર્ચ શાખાએ અગાઉ ભારત 8.5થી 9 ટકાના દરે વિકાસ નોંધાવશે તેમ અંદાજ્યું હતું. આ અનુમાન રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાના 9.5 ટકાના અનુમાનની હરોળમાં જ છે. 
એસબીઆઈના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઇઝર સૌમ્યા કાંતિ ઘોષે જણાવ્યું કે અમારા નાઉકાસ્ટિંગ મોડેલ મુજબ આ નાણાં વર્ષના બીજા ત્રિમાસિકમાં વિકાસ દર 8.1 ટકા રહેશે, જ્યારે સમગ્ર નાણાં વર્ષ માટે જીડીપીમાં વૃદ્ધિનો અંદાજ અગાઉનો 8.5- 9 ટકાથી વધારીને 9.3થી 9.6 ટકા કરવામાં આવ્યો છે. વાસ્તવિક જીડીપી નાણાં વર્ષ 2020ના રૂા. 145.69 લાખ કરોડથી આશરે રૂા. 2.4 લાખ કરોડ જેટલી વધશે. 
સપ્ટેમ્બર કરતાં નવેમ્બરમાં કોવિડ કેસોમાં વધારો 2.3 ટકા ઘટ્યો છે અને જૂન, 2020 પછી કોવિડના સૌથી ઓછા સક્રિય કેસ 1.24 લાખ નોંધાયા છે. ઉપરાંત, દેશની કુલ વૅક્સિન માટે પાત્ર વસ્તીમાંથી 81 ટકા લોકોએ વૅક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ અને 42 ટકાએ બંને ડોઝ લીધા છે. આ ઉપરાંત, દેશમાં આર્થિક ગતિવિધિઓએ પણ વેગ પકડ્યો છે.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer