ગર્ભવતીઓમાં હિમોગ્લોબિનનું ઓછું સ્તર ચિંતાજનક

મુંબઈ, તા. 22 : માતા અને શિશુનું આરોગ્ય જળવાઈ રહે એ માટે ગર્ભવતી મહિલાના શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઓછામાં ઓછું 11 એકમ કરતાં વધુ હોવું જોઈએ. પરંતુ મુંબઈની ગર્ભવતીઓમાં ઍનિમિયા વધુ હોવાનું જોવા મળ્યું છે. જાન્યુઆરી 2020થી જુલાઈ 2021ના સમયગાળામાં પાલિકાના 28 પ્રસૂતિગૃહમાં 47,151 ગર્ભવતીઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સાતથી 11 એકમ હોવાનું જોવા મળ્યું છે. 1,039 મહિલાઓમાં તો હિમોગ્લોબિનનું પ્રમાણ સાત એકમ કરતાં પણ ઓછું જોવા મળ્યું હતું. ગર્ભવતીઓની આ સ્વાસ્થ્યસમસ્યા તરફ આરોગ્ય વિભાગે વધુ ધ્યાન આપવાની જરૂર હોવાનું કહેવાઈ રહ્યું છે.
સાતથી 11 એકમ જેટલું હિમોગ્લોબિન ધરાવતી ગર્ભવતી મહિલાઓની સૌથી વધુ 4,937 સંખ્યા માતોશ્રી રમાબાઈ આંબેડકર પ્રસૂતિગૃહમાં નોંધવામાં આવી છે. એ પછી સાવિત્રીબાઈ જ્યોતિબા ફુલે હૉસ્પિટલ અને પ્રસૂતિગૃહમાં 4,306 અને સાવિત્રીબાઈ જ્યોતિબા ફુલે પ્રસૂતિગૃહમાં 3,692 ગર્ભવતીઓમાં ઍનિમિયા હોવાનું સ્પષ્ટ થયું છે. ગોરેગામના ટોપીવાલા પ્રસૂતિગૃહમાં કરવામાં આવેલા પરીક્ષણોમાં સૌથી વધુ એટલે કે 140 ગર્ભવતીઓમાં, આકુર્લી પ્રસૂતિગૃહમાં 137 અને સ્વૅક્ટર્સ કોલોની એમએચ હૉસ્પિટલમાં 121 ગર્ભવતીઓમાં હિમોગ્લોબિન સાત એકમ કરતાં ઓછું જોવા મળ્યું છે. ચારકોપ પ્રસૂતિગૃહ, સૂર્યકાંત વગળ પ્રસૂતિગૃહ, દેવનાર હેલ્થ પોસ્ટ, માહિમ પ્રસૂતિગૃહમાં દોઢ હજાર કરતાં વધુ ગર્ભવતીઓમાં હિમોગ્લોબિન સાતથી 11 એકમ હોવાનું જોવા મળ્યું છે.
ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન નહીં પરંતુ છોકરીઓને બાળપણથી જ પોષક આહારનું મહત્ત્વ સમજાવવું જોઈએ. તેમને જરૂરિયાત મુજબનો સમતોલ આહાર મળે છે કે એ તરફ ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ. કુપોષણ અને બાળમૃત્યુ, પ્રસૂતિ બાદ ઉદ્ભવતી જટીલતાઓ વગેરે તમામ સમસ્યાઓ સીધી અથવા આડકતરી રીતે હિમોગ્લોબિનની ઉણપ સાથે સંકળાયેલી હોય છે.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer