પરમબીર સિંહની સહીની તપાસ પંચ ચકાસણી કરશે

મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામેના આક્ષેપોની તપાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવેલા તપાસ પંચે સોમવારે મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહની સહીની ચકાસણી માટે તેમને એક સોગંદનામું ફાઈલ કરવાની સૂચના આપી હતી. 
પરમબીરે અનિલ દેશમુખ સામે કરેલા આક્ષેપોની તપાસ કરવા માર્ચ મહિનામાં મહારાષ્ટ્ર સરકારે રિટાર્યડ જાસ્ટિસ કૈલાશ ઉત્તમચંદ ચાંદીવાલના નેતૃત્વ હેઠળ તપાસ પંચની સ્થાપના કરી હતી. 
સોમવારની સુનાવણીમાં અનિલ દેશમુખના વકીલે અલગ અલગ દસ્તાવેજમાં પરમબીર સિંહની સહી અલગ અલગ હોવા તરફ પંચનું ધ્યાન દોરતા ઉક્ત આદેશ આપવામાં આવ્યો હતો. 
દેશમુખના વકિલે કહ્યું હતું કે પરમબીર સિહની સોગંદનામા, પાવર અૉફ એટર્ની અને દંડની રકમનો તેમણે જે ચેક આપ્યો છે એમા તેમની સહી અલગ અલગ છે. ચેક પરની સહી ખોટી હોઈ ન શકે, પણ પાવર ઓફ એટર્ની પરની સહી સાવ જુદી છે અને સહી તેમની નથી. 
ડિસમીસ પોલીસ અૉફિસર સચીન વાઝેને પણ સોમવારે પંચ સમક્ષ લાવવામાં આવ્યો હતો. મંગળવારે (આજે) તેમની જુબાની લેવાશે.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer