રાજ્યનું પોલીસદળ એ કોઈ જમીનદારી સિસ્ટમનો હિસ્સો નથી : સીબીઆઈ

દેશમુખ પ્રકરણમાં ટોચના અધિકારીઓને સમન્સ
મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખના કેસમાં રાજ્યના ટોચના બે અફસરોને મોકલવામાં આવેલા સમન્સને રદ કરવા રાજ્ય સરકારે કરેલી અરજીનો વિરોધ કરતા સીબીઆઈએ સોમવારે હાઈકોર્ટને કહ્યું હતું કે રાજ્યનું પોલીસદળ એક સ્વતંત્ર સંસ્થા છે અને એ સરકારના અંકુશથી મુક્ત હોવી જોઈએ. આ પોલીસ સંસ્થા એ કોઈ જમીનદારી સિસ્ટમનો હિસ્સો નથી. 
અનિલ દેશમુખના વસૂલી પ્રકરણની તપાસમાં સીબીઆઈએ ચીફ સેક્રેટરી સીતારામ કુંટે અને રાજ્યના પોલીસ વડા સંજય પાંડેને સમન્સ મોકલ્યા છે એ એ સામે મહારાષ્ટ્ર સરકાર હાઈકોર્ટમાં ગઈ છે. 
સીબીઆઈએ કોર્ટને કહ્યું હતું કે સરકારે સમન્સ રદ કરવાની અરજી કરી વાસ્તવમાં અમારી તપાસમાં વિઘ્ન નાખવાનો પ્રયાસ કર્યો છે. જોકે, મહારાષ્ટ્ર સરકારના વકિલે કહ્યું હતું કે ટોચના પોલીસ અફસરોને સમન્સ મોકલી સીબીઆઈ રાજ્યના પોલીસદળનો નૈતિક જુસ્સાને તોડવા માગે છે. એટલે હાઈ કોર્ટમાં સમન્સ રદ કરવાની અરજી કરવાનું રાજ્ય સરકારનું પગલું વાજબી છે. 
મહારાષ્ટ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે સીબીઆઈ દેશમુખ દ્વારા પોલીસ અધિકારીઓની બદલી અને નિમણૂકોના પ્રકરણની તપાસ કરી રહી છે. તેથી ગત મેમાં સીબીઆાuના ડિરેકટર તરીકેનો કાર્યભાર સંભાળનારા જયસ્વાલની સુદ્ધા તપાસ થવી જોઈએ.
જોકે, વધારાના સોલિસિટર જનરલ અમન લેખીએ જણાવ્યું હતું કે જયસ્વાલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ બોર્ડના સભ્ય હતા. તેથી બોર્ડની મિટિંગોમાં તેઓ હાજર રહે એ સ્વાભાવિક છે. હવે પ્રશ્ન એ છે કે તેમના બેઠકમાં હાજર રહેવાથી અથવા ગૃહપ્રધાનના કૃત્યોથી શું ફરક પડયો એ મહત્વનું છે. દેશમુખની સંડોવણી અને તેમના દ્વારા ખંડણીની વસૂલાત માટે માણસ મૂકવાની બાબતની તપાસ થવી જોઈએ, એમ લેખીએ ઉમેર્યું હતું.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer