હાઈ કોર્ટે રાહુલ ગાંધી સામેની બદનક્ષીની કાર્યવાહી 20 ડિસેમ્બર સુધી મુલત્વી રાખી

મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ફાઈલ કરવામાં આવેલા બદનક્ષીના કેસની સુનાવણી 20 ડિસેમ્બર પછી યોજવાની મુંબઈ હાઈ કોર્ટે સોમવારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટને સુચના આપી હતી. આનો મતલબ એ છે કે આ કોર્ટમાં રાહુલ ગાંધીએ 25 નવેમ્બરે હવે હાજર રહેવું નહીં પડે. 
મેજિસ્ટ્રેટ કોર્ટમાં ભાજપના સભ્ય હોવાનો દાવો કરનાર મહેશ શ્રીમલ નામની વ્યક્તિએ રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે અને કોર્ટે રાહુલ ગાંધીને 25મી નવેમ્બરે હાજર રહેવાની સુચના આપી હતી. 
યુદ્ધ વિમાન રફાલેના સોદાને પગલે સપ્ટેમ્બર 2018માં રાહુલે રાજસ્થાનની રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને `કમાન્ડર ઈન થીફ' તરીકે કરેલા સંબોધન બાદ તેમના પર મહેશ શ્રીશ્રીમલે બદનક્ષીનો કેસ કર્યો હતો. મેજિસ્ટ્રેટે આ ફરિયાદની નોંધ લીધી હતી અને 2019માં રાહુલને સમન્સ ઈસ્યુ કર્યા હતા. જોકે રાહુલ ગાંધી એકેય વાર મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર 
થયા નથી. મેજિસ્ટ્રેટ કોર્ટમાંની ફરિયાદમાં મહેશ શ્રીશ્રીમલે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને `કમાન્ડર ઈન થીફ' કહીને રાહુલે મોદીના ટેકેદારોની લાગણી પણ દુભાવી છે. તેમણે વડા પ્રધાનનું જ નહીં પણ તેમના ટેકેદારોનુ પણ અવમાન કર્યું છે. 
રાહુલ ગાંધીએ આ કેસને રદ કરવા હાઈ કોર્ટમાં અરજી કરી છે. સોમવારે હાઈ કોર્ટની સિંગલ જજ બૅન્ચે સમક્ષ આ અરજીની સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન મહેશ શ્રીશ્રીમલના વકિલે એફિડેવેડિટના સ્વરૂપમાં જવાબ ફાઈલ કરવા માટે સમય માગ્યો હતો. રાહુલ ગાંધીના વકિલે મહેશ શ્રીશ્રીમલને કોર્ટે આપેલા સમય સામે વાંધો લીધો નહોતો, પણ એવી દલીલ કરી હતી તો હાઈ કોર્ટે મેજીસ્ટ્રેટ કોર્ટમાની કાર્યવાહીને ત્યાં સુધી અટકાવી દેવી જોઈએ. 
આને પગલે હાઈ કોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટને 20મી ડિસેમ્બર સુધી કાર્યવાહીને મુલત્વી રાખવાની સુચના આપી હતી અને રાહુલ ગાંધીની અરજીની આગામી સુનાવણી 16મી ડિસેમ્બરે કરવાની જાહેરાત કરી હતી. 
રાહુલ ગાંધીએ હાઈ કોર્ટમાંની અરજીમાં જણાવ્યું છે કે રાજસ્થાનની રેલીમાં મેં જે ઉલ્લેખ કરેલો એ ફરિયાદી સામે નહીં, પણ  વડા પ્રધાન સામે કરેલો. ફરિયાદીને એ સાથે કંઈ લાગતુવળગતું નથી. મેજિસ્ટ્રેટ કોર્ટમાં મારી સામે ઓગસ્ટ 2019માં ફરિયાદ થઈ હતી, પણ મને એની જાણી છેક જુલાઈ 2021માં થઈ હતી. 
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer