એમેઝોન ઉપર ડ્રગ્સના ગેરકાયદે વેચાણ બદલ કડક કાર્યવાહીની કૈટની માગણી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : વિશાખાપટ્ટનમ પોલીસે એમેઝોન ઇ પોર્ટલ ઉપર ગેરકાયદે વેચાઇ રહેલા 48 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે અને ગત 20મી નવેમ્બરે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધીને આ મામલે એમેઝોનના બે ડિલીવરી બોયની ધરપકડ કરી છે એમ `કૈટ'ના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રી અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું.
આ ઉપરાંત મધ્યપ્રદેશ પોલીસે એમેઝોન અને તેના સહયોગીઓ પાસેથી 17 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે અને મેહગાંવ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી એક જણની ધરપકડ કરી હતી. કૈટે વિશાખાપટ્ટનમ પોલીસને એનડીપીએસ એકટની કલમ 38 હેઠળ કેસ નોંધવાની માંગણી કરી છે. `કૈટે' એમેઝોન પોર્ટલના ભારતમાં સંચાલનને સસ્પેન્ડ કરવાની માગ સાથે એમેઝોનના અધિકારીઓની ધરપકડની માગણી કરી છે. 
ઠક્કરે કેન્દ્ર સરકારને એમેઝોન સહિત મોટા ઇ કોમર્સ પ્લેટફૉર્મના વેપાર મોડેલની સઘન તપાસ કરવાનો આગ્રહ કર્યો છે. ઇ કોમર્સ પોર્ટલ ઉપર પ્રતિબંધિત વસ્તુઓ અથવા રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ માટેના કોઇ વેચાણ કે સંચાલન કરાતું નથી તેની તપાસ ઉપરાંત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિષેધ સામગ્રીઓના વેચાણ બાબતે બજાર સંસ્થાઓને જવાબ આપવા બંધનકારક કરવું જોઇએ. ખૂબ જ દુ:ખની વાત એ છે કે `કૈટ' અને અન્ય સંગઠનોની ફરિયાદો થઇ રહી હોવા છતાં આ મુદ્દાને ગંભીરતાથી લેવાઇ રહ્યો નથી.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer