શૅર બ્રાકિંગ કંપનીએ ઈન્વેસ્ટરોને 21 કરોડનો ચૂનો ચોપડયો

મુંબઈ, તા. 22 : મુંબઈ પોલીસના ઈકોનોમિક ઓફેન્સિસ વિંગે આર્કેડિયા શૅર ઍન્ડ સ્ટોક બ્રોકર્સ પ્રાઈવેટ લિમેટેડના ડિરેક્ટરો નીતિન બ્રહ્મભટ્ટ, એન્ટની સિક્વેરા અને અન્યો સામે ચાટિંગ અને આર્થિક ગેરરિતીનો ગુનો નોંધ્યો છે. આરોપીઓ સામે ઈન્વેસ્ટરો સાથે 21 કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ મુકાયો છે. 
આ સ્ટોક બ્રાકિંગ કંપની સામે અસંખ્ય ઈન્વેસ્ટરો આર્થિક ગેરરિતીની અનેક ગેરકાયદે પ્રવૃતિની ફરિયાદ કરતા જુલાઈમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જે કંપનીની હકીલપટ્ટી કરી હતી અને એને ડિફોલ્ટર જાહેર કરી હતી. 
17 નવેમ્બરે માહિમના રહેવાસી ડેનઝીલ લોબોએ બીકેસી પોલીસમાં ફરિયાદ કરી હતી કે, મેં અને મારા પરિવારે 4.4 કરોડના વિવિધ કંપનીના જે શૅર ખરીદ્યા હતા એ શૅર આર્કેડિયા શૅર ઍન્ડ સ્ટોક બ્રોકર્સ કંપની અને તેમના પ્રતિનિધિઓએ પચાવી લીધા છે. એ ઉપરાંત મારા માલિકીના અકાઉન્ટમાં પૈસાની ખોટી એન્ટ્રીઓ બતાવી છે. ફરિયાદમાં લોબોએ એમ પણ કહ્યું હતું કે આઉટસ્ટેન્ડિગ ક્રેડિટ બેલેન્સ તરીકે પરિવારના ખાતામાં પડેલી રકમ પણ ચાંઉ કરી જવામાં આવી હતી. મિગ્યુઅલ ડિસોઝા નામના અન્ય એક ઈન્વેસ્ટરે 10.80 કરોડ અને લાયોનલ ગોમ્સ નામના ઈન્વેસ્ટરે 3.20 કરોડની ચાટિંગની ફરિયાદ નોંધાવી હતી. 
આ કેસની તપાસ પછી ઈકોનોમિક ઓફેન્સિસ વિંગના શૅર યુનિટે એના હાથમાં લઈ લીધી હતી.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer