અનિલ દેશમુખનો દીકરો પણ હવાલા પ્રકરણમાં સક્રિય ભાગીદાર છે : ઈડી

મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ સોમવારે સ્પેશિયલ કોર્ટને કહ્યું હતું કે મહારાષ્ટ્રના માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખનો દીકરો હ્રષિકેશ દેશમુખ પણ હવાલાકાંડમાં સક્રિય રીતે સામેલ છે અને આ લાંચના પૈસા ડૉનેશન તરીકે મળ્યા છે એ બતાવવાના કામમાં એ પિતાને મદદ પણ કરતો હતો. 
હ્રષિકેશ દેશમુખે આગોતરા જામીન માટે હવાલા પ્રતિબંધક ધારા હેઠળની સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી છે અને ઈડીએ આ અરજીના વિરોધમાં સોમવારે એક ઍફિડેવિટ નોંધાવી હતી. આ આગોતરા જામીનની આગામી સુનાવણી હવે ચાર ડિસેમ્બરના થશે. 
ઈડીએ એફિડેવિટમાં વધુમાં કહ્યું છે કે હ્રષિકેશ દેશમુખને જામીન આપવામાં આવશે તો પુરાવા સાથે ચેડાં થઈ શકવાની પૂરેપુરી શક્યતા છે. અમારી પ્રાથમિક તપાસમાં અમને એટલી ખબર પડી છે કે અનિલ દેશમુખ અને તેમના પરિવારના સભ્યો 11 કંપની ચલાવતા હતા અને આ કંપનીઓના વ્યવહારોમાં હ્રષિકેશ દેશમુખ મદદ કરતો હતો. મોટાભાગની કંપનીઓમાં હ્રષિકેશ દેશમુખ કાં તો ડિરેક્ટર છે અથવા શૅરહોલ્ડર છે. ડિસમિસ પોલીસ અૉફિસર સચીન વાઝે પાસેથી વસૂલીની 4.70 કરોડની જે રકમ અનિલ દેશમુખને મળેલી એમાનો અમુક હિસ્સો આ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં હ્રષિકેશ દેશમુખની પિતા સાથે મિલિભગત હતી. 
આ વસૂલીની રકમ સચીન વાઝેએ મુંબઈના હોટેલ-બાર માલિકો પાસેથી અનિલ દેશમુખના ઈશારે વસૂલ કરી હોવાનો આરોપ છે. 
ઈડીએ કહ્યું છે કે આ રકમ દિલ્હીસ્થિત બનાવટી કંપનીમાંથી દેશમુખના પારિવારિક ટ્રસ્ટમાં ડૉનેશન તરીકે ટ્રાન્સફર કરવામાં આવતી હતી. હ્રષિકેશ દેશમુખ અને તેના પરિવારે કંપનીઓનું એક ભેદી જાળું રચ્યું હતું અને આ કંપનીમાના વ્યવહારો પણ એકદમ શંકાસ્પદ છે. હ્રષિકેશ દેશમુખને અત્યાર સુધી છ સમન્સ મોકલવામાં આવ્યા હોવાછતાં એ તપાસમાં સહકાર નથી આપતો. 
જામીન અરજીમાં હ્રષિકેશ દેશમુખે મારી સામેની ઈડીની સંપૂર્ણ કાર્યવાહી દુર્ભાવનાયુક્ત છે. મારા અને મારા પિતા સામે તપાસ પણ એકદમ સંદિગ્ધ સંજોગોમાં શરૂ થઈ છે. આમારા વિરોધીના ઈશારે અમારી સામે કેન્દ્રીય તપાસ સંસ્થા પાછળ પડી ગઈ છે. અમુક આક્ષેપો તો સ્થાપિત હિત ધરાવતા લોકો અને સચીન વાઝે અને મુંબઈના માજી પોલીસ કમિશનર પરમબીર સિંહે લગાવ્યા છે જેમની કોઈ પ્રતિષ્ઠા પણ નથી. આ લેભાગૂ વ્યક્તિઓ છે અને તેઓ ખંડણી, ફ્રોડ અને મર્ડરમાં પણ સંડોવાયેલા છે. 
સીબીઆઈએ 21 એપ્રિલના દેશમુખ સામે ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગનો કેસ ફાઈલ કર્યો એ બાદ ઈડીએ પણ દેશમુખ સામે હવાલા પ્રતિબંધક ધારા હેઠળ કેસ ફાઈલ કર્યો હતો. એ બાદ તેમણે ગૃહપ્રધાનપદેથી રાજીનામુ આપી દીધું હતું. 
મુંબઈના માજી પોલીસ કમિશનર પરમબીર સિંહે દેશમુખ સામે મુકેલા 100 કરોડના ભ્રષ્ટાચારના અને સત્તાના દુરુપયોગના આક્ષેપો વિશે સીબીઆઈએ હાઈકોર્ટના કહેવાથી પહેલા પ્રાથમિક તપાસ કરી હતી અને પછી એફઆઈઆર નોંધી હતી. 
ઈડીએ દેશમુખ સામે એવો કેસ કર્યો છે કે તેઓ ગૃહપ્રધાન હતા ત્યારે તેમણે સત્તાનો દુરુપયોગ કર્યો હતો અને ડિસમિસ પોલીસ અૉફિસર સચીન વાઝે મારફતે મુંબઈની હોટેલો-બાર માલિકો પાસેથી 4.70 કરોડની વસૂલી કરી હતી. 
ઈડીએ આ કેસમાં દેશમુખ ઉપરાંત તેમના બે સહાયક કુન્દન શિંદે અને સંજીવ પલાન્ડેની આ કેસમાં ધરપકડ કરી છે અને ત્રણે અત્યારે અદાલતી કસ્ટડીમાં છે.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer