રેલવે બોર્ડની ઢીલાશને કારણે એસી લોકલની ટેન્ડર પ્રક્રિયા જ હજી શરૂ થઈ નથી

મુંબઈ, તા. 22 : મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી) અંતર્ગત આવનારી એસી લોકલ માટે મુંબઈગરાને હજી બે વર્ષ રાહ જોવી પડશે. એસી લોકલ ટ્રેન માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા જ શરૂ થઈ નહીં હોવાનું સ્પષ્ટ થયું છે. 
રેલવે બોર્ડના વિલંબને લીધે રેલવે વિકાસ મહામંડળનો 238 એસી લોકલ ટ્રેન નિર્માણનો પ્રકલ્પ રખડી પડયો છે. એમયુટીપી પ્રોજેક્ટ અંતર્ગત દોડનારી તમામ લોકલ પૂર્ણપણે એસી હશે. પરંતુ આ લોકલની પ્રવાસી સુવિધાઓ અને અન્ય ટેકનિકલ બાબતો અંગેનો નિર્ણય લેવાનો હજી બાકી છે. આ નિર્ણય લેવાઈ ગયા બાદ આવતા વર્ષે માર્ચ 2022માં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાનું રેલવે વિભાગનું આયોજન હોવાનું જાણવા મળ્યું છે.
નવેમ્બર 2016માં યોજાયેલી કેન્દ્રીય મંત્રાલયની બેઠકમાં એમયુટીપી-3ને મંજૂરી આપવામાં આવી હતી. એમયુટીપી-3અ પ્રકલ્પને માર્ચ 2019માં મંજૂરી મળી. એમયુટીપી-3માં 47 એસી લોકલ અને એમયુટીપી-3અમાં 191 એસી લોકલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને પ્રકલ્પ માટે કુલ 19,311 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા બાદ કૉન્ટ્રાક્ટર નિમિને લોકલ ટ્રેન નિર્માણના આદેશ આપવામાં આવે છે. લોકલ ટ્રેન નિર્માણમાં સામાન્ય રીતે સાત મહિનાનો સમય લાગે છે. ત્યારબાદ પરીક્ષણ અને જરૂરી પરવાનગી મળ્યા બાદ આ લોકલ પ્રવાસી સેવામાં દાખલ થાય છે. આમ આ સંપૂર્ણ પ્રક્રિયામાં ઘણો સમય જાય છે.
રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે એમયુટીપી પ્રકલ્પ હેઠળ બધી લોકલ પૂર્ણપણે વાતાનુકૂલિત હોય છે. જોકે, આ લોકલમાં પ્રવાસીઓને સગવડો અને અન્ય ટેકિનકલ બાબતો વિશે નિર્ણય લેવાનો બાકી છે. આ બધી બાબતો વિશે નિર્ણય લેવાય પછી માર્ચ, 2022માં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે એવું જણાય છે.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer