પઠાણકોટ : સૈન્ય કેમ્પના દરવાજે ગ્રેનેડ વિસ્ફોટ

લશ્કર ઍલર્ટ
પઠાણકોટ (પંજાબ), તા.22 : પંજાબના પઠાણકોટ જિલ્લામાં સૈન્ય કેમ્પ પર આજે ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. કેમ્પના ત્રિવેણી ગેટ પર ગ્રેનેડ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં જોકે જાનમાલનું કોઈ નુક્સાન થયું ન હતું. આ ઘટના બાદ પઠાણકોટમાં હાઈએલર્ટ જારી કરવામાં આવી હતી. હુમલાખોરોને ઝડપવા માટે શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સમાચાર એજન્સી અનુસાર સૈન્ય કેમ્પના ગેટ નજીકથી એક લગ્નની જાન નીકળી રહી હતી. આ દરમ્યાનમાં મોટરસાઈકલ પર સવાર એક યુવક નીકળ્યો હતો અને તે પછી તુરંત ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. આ યુવક પર ગ્રેનેડથી હુમલો કરવાની શંકા છે. દરમ્યાન, પોલીસને એક બિનવારસુ કાર મળી હતી જેના આગળ-પાછળના નંબર સિફ્તપૂર્વક બદલાવવામાં આવ્યા હતા. પોલીસ તેને હુમલાની કડી તરીકે જોઈ રહી છે. 
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer