વધી શકે છે નિવૃત્તિની વય અને પેન્શનની રકમ

સરકાર કરી રહી છે વિચારણા : આર્થિક સલાહકાર સમિતએ તૈયાર કર્યો પ્રસ્તાવ
નવી દિલ્હી, તા. 22 : કેન્દ્ર સરકાર કર્મચારીઓને ટૂંક સમયમા ખુશખબરી આપી શકે છે. કર્મચારીઓની નિવૃત્તિની વય અને પેન્શનની રકમ વધારવા ઉપર સરકારવિચાર કરી રહી છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિ તરફથી આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. જેમાં દેશમાં લોકોના કામ કરવાની વયમર્યાદા વધારવાની વાત કરવામાં આવી છે. સાથે જ આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું છે કે, દેશમાં નિવૃત્તિની વય વધારવા સાથે યૂનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવી જોઈએ. 
સમિતિના રિપોર્ટ અનુસાર કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછુ 2000 રૂપિયાનું પેન્શન આપવાની અને દેશમાં વરિષ્ઠ નાગરીકોની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા તૈયાર કરવાની ભલામણ કરી છે. રિપોર્ટમા કહેવામાં આવ્યું છે કે જો કામકાજની વય વધારવી હોય તો તેના માટે સેવાનિવૃત્તિની મર્યાદા વધારવી જોઈએ. સામાજીક સુરક્ષા પ્રણાલીના દબાણને ઘટાડવા માટે આ નિર્ણય લઈ શકાય. રિપોર્ટમાં 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે પણ સ્કીલ ડેવલોપમેન્ટની વાત કરવામાં આવી છે. રપોર્ટમાં ઉમેરવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એવી નીતિ બનાવવી જોઈએ જેનાથી કૌશલ્યમાં વધારો કરી શકાય. આ પ્રયાસમાં અસંગઠિત ક્ષેત્ર, અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો, રેફ્યુજી, પ્રવાસીઓને પણ સામેલ કરવા જોઈએ. જેની પાસે તાલિમ મેળવવાના સાધન હોતા નથી.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer