સામાન્ય ચૂંટણી પહેલા ફેસબુકે બનાવી હતી સ્વૈચ્છિક આચારસંહિતા

સામાન્ય ચૂંટણી પહેલા ફેસબુકે બનાવી હતી સ્વૈચ્છિક આચારસંહિતા
નવી દિલ્હી, તા. 22 : ફેસબુકના આંતરિક દસ્તાવેજોમાંથી ચોંકાવનારો ખુલાસો થયો છે કે 2019માં ભારતની સામાન્ય ચૂંટણી પહેલાં ફેસબુકે ચૂંટણી પંચના આકરા નિયમોથી બચવા માટે એક સ્વૈચ્છિક સંહિતા લાગુ કરી હતી અને આ માટે ચૂંટણી પંચના અધિકારીઓને પણ રાજી કરી લીધા હતા. આ ખુલાસો ફેસબુકની પૂર્વ કર્મચારી ફ્રાન્સેસ હોગેન તરફથી સાર્વજનિક કરવામાં આવેલા દસ્તાવેજોથી થયો છે. એક અખબારી અહેવાલ પ્રમાણે સાર્વજનિક કરવામાં આવેલા દસ્તાવેજમાં ખુલાસો થયો છે કે ફેસબુકે સ્વૈચ્છિક આચાર સંહિતા માટે ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયાને આગળ રાખ્યું હતું.
બીજી તરફ ચૂંટણી પંચના દસ્તાવેજ બતાવે છે કે ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા ઉપર લગામ કસવા માટે એક આકરો નિયમ બનાવવાની તૈયારી હતી. આ ખુલાસા બાદ ચૂંટણી પંચના પ્રવક્તાનું કહેવું છે કે તેઓ ફેસબુકના આંતરિક રિપોર્ટથી પરિચિત નથી પરંતુ દાવો યોગ્ય નથી, કારણ કે કોઈપણ ચૂંટણીમાં મતદાનના 48 કલાક પહેલાથી જ સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયામાં રાજનીતિક વિજ્ઞાપન ઉપર પ્રતિબંધ હોય છે. 
બીજી તરફ મેટા (ફેસબુક)ના પ્રવક્તાએ કહ્યું છે કે ભારતમાં ફેસબુક એક જ નથી કે જેણે સ્વૈચ્છિક આચાર સંહિતા બનાવી છે. ચૂંટણી પંચને આ મામલે મનાવવામાં અન્ય સોશિયલ મીડિયા કંપનીઓ પણ સામેલ હતી. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લગામ માટે એક માળખું બનાવવા તત્કાલીન ઉપચૂંટણી અધિકારી ઉમેશ સિન્હાના નેતૃત્વમાં એક સમિતિનું ગઠન કર્યું હતું. જુલાઈ 2018માં સમિતિએ પોતાના રિપોર્ટમાં ભલામણ કરી હતી કે ચૂંટણી પંચ સોશિયલ મીડિયા એજન્સીઓને નિર્દેશ આપે કે મતદાનના 48 કલાક પહેલા કોઈ રાજનીતિક વિજ્ઞાપન અપલોડ ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે. ત્યારબાદ 29 મે, 2019ના એટલે કે ચૂંટણીના પાંચ દિવસ બાદ ફેસબુકે પોતાના કર્મચારીઓને એક મેમો આપ્યો હતો. જેમાં ફેસબુકે ચૂંટણી દરમિયાન જે કંઈ કર્યું તે લખેલું હતું. જેમાં સ્વૈચ્છિક આચાર સંહિતાનો પણ ઉલ્લેખ હતો.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer