મહારાષ્ટ્રના પ્રધાન મલિકના વિધાનોમાં દ્વેષ છે, પણ બોલવા ઉપર બંધી લાદવાનો હાઈકોર્ટના નકાર

મહારાષ્ટ્રના પ્રધાન મલિકના વિધાનોમાં દ્વેષ છે, પણ બોલવા ઉપર બંધી લાદવાનો હાઈકોર્ટના નકાર
મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : મુંબઈ હાઈકોર્ટે સોમવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની મુંબઈ ઓફિસના ઝોનલ હેડ સમીર વાનખેડે સામે જાહેર નિવેદનો કે ટ્વિટ કરવા પર મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિક પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો. જોકે, હાઈકોર્ટે કહ્યું હતું કે નવાબ મલિક અત્યારસુધી જે ટ્વિટ કરી છે એ વ્યક્તિગત વેરઝેર અને દુર્ભાવના સાથે પોસ્ટ કરી હોય એવું પ્રાથમિક રીતે લાગે છે. ઉપરાંત નવાબ મલિક કરેલા બધા આક્ષેપો વર્તમાન તબક્કે પ્રથમદર્શી રીતે સંપૂર્ણપણે ખોટા હોવાનું જણાતું નથી, એમ હાઈકોર્ટ ઉમેર્યું છે.
કોર્ટે કહ્યું હતું કે સમીર વાનખેડે એક સરકારી અધિકારી છે અને તેમની જે ફરજ છે એ વિશે નવાબ મલિકે આક્ષેપો કર્યા છે. એટલે તેમને સમીર વાનખેડે સામે બોલવા પર સંપૂર્ણ રોક લગાવી શકાય એમ નથી. નવાબ મલિક જો સમીર વાનખેડે કે તેમના પરિવાર સામે કોઈ નિવેદન કરે તો તેમણે તેની સચ્ચાઈ ચકાસીને કરવા પડશે.  
સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ નવાબ મલિક સામે કરેલા સવા કરોડના બદનક્ષીના કેસમાં હાઈ કોર્ટ પાસેથી વચગાળાની અમુક રાહતો માગી હતી. એને પગલે હાઈકોર્ટે સોમવારે આ ચુકાદો આપ્યો હતો. 
મુંબઈથી ગોવા જતી ક્રુઝ શીપ પરની ડ્રગ પાર્ટી પર નાર્કોટિક્સ કન્ટ્રલ બ્યૂરોએ ગયા મહિને રેઈડ પાડી અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરી છે ત્યારથી નવાબ મલિક નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ઝોનલ હેડ સમીર વાનખેડે પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેઓ આ રેઈડને સતત બૉગસ ગણાવી રહ્યા છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે સમીર વાનખેડેએ સરકારી નોકરી મેળવવા તેમના બર્થ સર્ટિફિકેટમાં ચેડાં કર્યા છે. 
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer